મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં ઝડપી ઉછાળો આવતાં રૂપિયો ઝડપી તૂટી ગયો હતો. શેરબજાર ગબડતાં તથા વિશ્વબજારમાં ક્રૂડતેલ વધી જતાં ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયાના ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, મુંબઈ બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૨.૨૬ વાળા આજે સવારે રૂ.૮૨.૩૮ ખુલા નીચામાં ભાવ રૂ.૮૨.૩૬ થયા પછી ઉંચામાં ભાવ રૂ.૮૨.૬૩ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૨.૫૮ રહ્યા હતા.
રૂપિયો આજે ડોલર સામે એકંદરે ૦.૩૯ ટકા ગબડયો હતો. કરન્સી બજારમાં આજે ડોલરમાં આયાતકારોની માગ વધ્યાના નિર્દેશો હતા. રૂપિયો ઝડપી ગબડતાં રૂપિયામાં એક દિવસીય ઘટાડામાં બે મહિનાનો રેકોર્ડ તૂટયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, ડોલર-રૂપી ફોરવર્ડ પ્રીમિયમોમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો.






