બાળકના જન્મ સાથેના પ્રથમ રુદન અને માતાના સ્નેહાળ સ્પર્શના મિલનનો સાક્ષી બનતો રાજકોટ સિવિલ હોસ્પિટલનો ગાયનેક વિભાગ ટૂંક સમયમાં જુના ઝનાના હોસ્પિટલ કેમ્પસ ખાતેના નવનિર્મિત બિલ્ડિંગમાં શિફ્ટ થવા જઈ રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની પ્રસૂતાઓ અને નજાવત બાળકોને એક છત્ર નીચે સંપૂર્ણ સારવાર સાથેના ‘’મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હેલ્થ” વિંગની કામગીરી પૂર્ણતાને આરે છે. સિવિલ અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, સ્વસ્થ બાળ અને સ્વસ્થ માતાની વિભાવનાને ચરિતાર્થ કરવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સંનિષ્ઠ પ્રયાસોથી રાજકોટમાં કોર્પોરેટ સ્ટાઈલમાં ગ્રાઉન્ડ પ્લસ ૧૧ માળની ગુજરાતની સૌથી ઊંચી એમ.સી.એચ. હોસ્પિટલ અદ્યતન સુવિધાઓ સાથે નિર્માણ પામશે. સૌરાષ્ટ્ર કચ્છના મેટર્નલ અને બાળ દર્દીઓ માટે હોસ્પિટલમાં ૫૦૦ બેડ ઉપરાંત વધારાના ૨૦૦ બેડની સુવિધા સાથે કુલ ૭૦૦ બેડની સુવિધા, સૌરાષ્ટ્રની પ્રથમ મિલ્ક બેન્ક, ટ્રાઈએઝ, થ્રી લેયર એન.આઈ.સી.યુ., ડી.ઈ.આઈ.સી., એન.આર.સી. પ્લે ગ્રાઉન્ડ સહિતની સુવિધા આ કેમ્પસમાં ઉપલબ્ધ કરાવાઈ છે. અધિક્ષકે વધુમાં જણાવ્યું હતું કે,રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે દર વર્ષે ૮ હજાર થી વધુ ડીલિવરી કરવામાં આવી રહી છે, જેમાં નોર્મલ ડીલેવરી માટે આ હોસ્પિટલ વિવિધ તકનીક સાથેનું રોલ મોડેલ બની રહેશે. અહીં મોડ્યુલર ૮ ઓપરેશન થીએટર, સ્ત્રી રોગની સારવાર, સુપર સ્પેશિયાલિટીઝ ડોક્ટર્સની ટીમ સાથે ઝીરો રેફરલ પોલિસી અપનાવાશે. પી.આઈ.યુ. ની કામગીરી પૂર્ણ થવામાં છે. આ સાથે અલગથી વીજ લાઈન, પાવર બેકઅપ માટે જનરેટર, ઓક્સીજન લાઈન, દર્દીના સગા માટે કેન્ટીનની વ્યવસ્થા વગેરે સવલતો પણ ઉભી કરવામાં આવી છે. પીડિયાટ્રિક વિભાગ અને ગાયનેક વિભાગમાં અનેક રોગોની સારવારો થઈ શકશે.