આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ભગવાન ભોળાનાથની આરાધના કરવાનો આ શ્રેષ્ઠ મહિનો છે. સવારથી જ રાજ્યભરના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. હર હર મહાદેવના નાદથી શિવાલયો ગૂંજી ઉઠ્યા છે.
16 ઓગષ્ટે અધિક મહિનાની પુર્ણાહુતિ થયા બાદ આજે 17 ઓગષ્ટે ગુરુવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શ્રાવણ માસની શરુઆત સિંહ સંક્રાતિથી શરુ થયો છે. આ મહિનો શિવભક્તો માટે મહિમામય છે કારણ કે આખો મહિનો શિવ ભક્તો ભગવાન ભોળાનાથની આરાધના કરી વિશેષ પૂજા અર્ચના કરે છે.
શ્રાવણ માસમાં કરવામાં આવતી શિવ ઉપાસના ખુબ અગત્યની છે કારણ કે આ શિવ ઉપાસના આખું વર્ષ ભક્તને ફળ આપે છે. શ્રાવણ માસમાં ભગવાન શિવ પાર્વતીની પૂજા કરવામાં આવે છે અને ભક્તો આખો મહિનો ઉપવાસ કરે છે. રુદ્રાભિષેક અને મૃંત્યુંજય મંત્રના જાપ શ્રેષ્ઠ ફળ આપે છે. આ મહિનામાં શિવ ઉપાસના કરવાથી સુખ સમૃદ્ધી આપે છે અને સૌભાગ્ય વધે છે. જ્યારે પણ શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરો ત્યારે ૐ નમ:શિવાયનો જાપ કરવો જોઇએ
દેશના 12 જ્યોતિર્લિંગો ઉપરાંત શહેર નગરોમાં આવેલા શિવાલયો ખાસ શણગારવામાં આવ્યા છે અને શિવાલયો ભક્તોથી ઉભરાયા છે. ભક્તો ભગવાન શિવને દૂધ અને જળનો અભિષેક કરવાની સાથે બિલીપત્ર પણ ચઢાવી રહ્યા છે અને હર હર મહાદેવના નાદથી શિવાલયો ગૂંજી ઉઠ્યા છે. ભક્તો માટે શિવાલયોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.





