અમદાવાદની રામોલ પોલીસે બાતમીના આધારે સીટીએમ એક્સપ્રેસ હાઇવે પર નાકાબંધી કરી મુંબઇના ત્રણ લોકોની સીટીએમ એક્સપ્રેસ હાઈવે પરથી 7 ઓગસ્ટના રોજ એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે એક યુવતી સહિત બે વ્યક્તિઓ એમ કુલ ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આ ખાનગી ઓપરેશન હોવાના કારણે સમાચારો જાહેરમાં આવ્યા ન હતા. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે પકડાયેલ આરોપીઓ દ્વારા અમદાવાદ પૂર્વના એક ચોક્કસ ધર્મગુરૂને આ ડ્રગ્સ પહોંચાડવાનું હતું. જો કે આ બાબતે પોલીસે હજુ સુધી કોઈ ખુલાસા કર્યા નથી પરંતુ પોલીસે ખાનગી રાહે તપાસ તેજ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે.
પોલીસે પકડાયેલા આરોપીઓની કર્મકુંડળી કાઢતા ખબર પડી હતી કે પકડાયેલા આરોપીઓ પૈકીનો એક આરોપી અયુબ કુરેશી મુંબઈમાં વર્ષ 1993માં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં મદદગારીમાં સંડોવાયેલો હતો. પકડાયેલા આરોપીઓ પાસેથી 376 ગ્રામ, 600 મિલિગ્રામનો એમ.ડી.ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેની બજારમાં કિંમત 37.66 લાખ રૂપિયા જેટલી થાય છે. ઉલ્લેખનીય છે કે આ ત્રણેય આરોપીઓ હાલ અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. આગામી સમયમાં જેલમાં જઈને ગુજરાત એટીએસ પૂછપરછ હાથ ધરશે.





