આગામી 14મી સપ્ટેમ્બરથી રાજ્યભરના ડીલરોને રજિસ્ટ્રેશનની સંપૂર્ણ જવાબદારી સોંપી દેવાશે. આરટીઓનો ટેક્સ ભરવાથી માંડીને ડોક્યુમેન્ટનું વેરિફિકેશન અને વાહનનો નંબર પણ ડીલરો જ ફાળવી દેશે. જોકે, રજિસ્ટ્રેશનની સત્તા આપવા સાથે વાહન વ્યવહાર વિભાગે 14મીથી ફરજિયાત હાઈ સિક્યુરિટી નંબરપ્લેટ લગાડીને જ વાહનનું વેચાણ કરવા આદેશ આપ્યો છે.
HSRP વગર વ્હીકલનું વેચાણ કરનારા ડીલરોનું 30 દિવસ માટે ટ્રેડ સર્ટિફિકેટ સસ્પેન્ડ કરી દેવાશે. આ ઉપરાંત રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ પકડાશે તો ફાજદારી રાહે પણ કાર્યવાહી કરાશે.અત્યાર સુધી વાહનોના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓ દ્વારા કરાતી હતી. ડીલરો આરટીઓનો ટેક્સ અને ઇન્સ્યોરન્સ ઉતારી વાહનમાલિકોને વ્હીકલની ડિલિવરી આપી દેતા હતા. ત્યારબાદ ડીલરો ફૂરસદે વાહન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરતા હતા. પરંતુ હવે આગામી 14મી સપ્ટેમ્બરથી ડીલરોએ ફરજિયાતપણે વાહનનું રજિસ્ટ્રેશન કરી નંબરપ્લેટ લગાડીને જ વ્હીકલનું વેચાણ કરવું પડશે. ડીલરોને રજિસ્ટ્રેશનની સંપૂર્ણ જવાબદારી આપવા સાથે વાહન વ્યવહાર વિભાગે ચોક્કસ શરતો પણ રાખી છે. વ્હીકલની હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાડીને વાહનની ડિલિવરી કરવા સાથે સમયમર્યાદામાં વાહનનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરી દેવા આદેશ આપ્યો છે.






