જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકીઓ વિરુદ્ધ અભિયાન ચાલુ છે. ગડોલ કોકેરનાગ વિસ્તારમાં ચાલી રહેલા અભિયાનના ત્રીજા દિવસે શુક્રવારે સુરક્ષાદળો ખુબ આક્રમક જોવા મળ્યા. આ દરમિયાન ડ્રોનથી કરાયેલા કોમ્બિંગમાં એક આતંકી જંગલમાં ભાગતો જોવા મળ્યો. એવું કહેવાય છે કે સુરક્ષાદળોએ આતંકીઓનું લોકેશન શોધી લીધુ છે. બીજી બાજુ સ્પેશિયલ ફોર્સિસે અભિયાન ચલાવીને ગડોલના જંગલોમાં આતંકીઓના છૂપાવવાના ઠેકાણા નષ્ટ કરી દીધા છે.
આ પહાડી વિસ્તારમાં નાના નાની કુદરતી ગુફાઓ હોવાના કારણે જવાનોને અભિયાનમાં સમય લાગી રહ્યો છે. દરેક ગુફામાં આતંકીઓ છૂપાયેલા હોઈ શકે છે. આથી સુરક્ષાદળોના જવાનો સંભાળીને આગળ વધી રહ્યા છે. છૂપાયેલા આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી દરમિયાન અથડામણમાં વધુ એક સૈનિક શહીદ થયો છે. આ સાથે જ આ અભિયાનમાં શહીદ થનારા જવાનોની સંખ્યા ચાર થઈ છે. એક ટોચના પોલીસ સૂત્રે આ ખબરની પુષ્ટિ કરી છે. શુક્રવારે થયેલા ફાયરિંગમાં સિપાઈ ઘાયલ થયો હતો અને બાદમાં તેણે દમ તોડ્યો. છેલ્લા બે દિવસની સરખામણીમાં સુરક્ષાદળોનું અભિયાન શુક્રવારે ખુબ આક્રમક જોવા મળ્યું. સેનાના જવાનોએ જંગલમાં આતંકીઓના સંભવિત ઠેકણા પર અનેક વિસ્ફોટ કર્યા અને ચાર કુદરતી ગુફાઓને નષ્ટ કરી. આ ગુફાઓનો ઉપયોગ આતંકીઓ જંગલમાં છૂપાવા માટે કરતા હતા.