અંગ દાન મહા દાન: રાજકોટની સરકારી હોસ્પિટલને મળ્યું વધુ એક સ્કિન ડોનેશન અક્ષતભાઈ પોપટના અવસાન બાદ તેમના પરિવારે પી.ડી.યુ. હોસ્પિટલને કર્યુ અંગદાન અને ત્વચાદાન સ્કિન ડોનેશનથી મેજર બર્ન્સના દર્દીઓની ઝડપથી થાય છે રિકવરીઃ સ્કિન ડોનેશનથી બચે છે ઘણા લોકોની ઝીંદગી અંગ દાન એ મહા દાન ગણવામાં આવે છે. મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનો જો સમજી ને અંગ દાન કરે તો એક વ્યક્તિના અંગથી ઘણા લોકોની ઝીંદગી બચી શકે છે. પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટનાં તબીબી અધિક્ષકશ્રી ડો. આર.એસ.ત્રીવેદીના જણાવ્યા અનુસાર, અક્ષતભાઈ શશીકાંતભાઈ પોપટ તા:૨૨/૦૯/૨૦૨૩ના રોજ અવસાન પામ્યા હતા તેથી તેમના પરિવાર દ્વારા પી. ડી. યુ. હોસ્પિટલને અંગદાન અને ત્વચાદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગદાન અને સ્કિન ડોનેશનથી મેજર બર્ન્સના દર્દીઓની ઝડપથી રિકવરી થશે તેમજ ટ્રોમા દર્દીઓ અને બાયોલોજીકલ ડ્રેસીંગ માટે પણ ઉપયોગ કરી શકાશે. અંગદાન, રક્તદાન સાથે સાથે હવે સ્કિન ડોનેશનમાં લોકોનો ખુબ સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. જે ખૂબ જ પ્રશંસનીય છે. પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટનાં તબીબી અધિક્ષકશ્રી ડો. આર.એસ.ત્રીવેદી, પ્લાસ્ટીક સર્જરી વિભાગના વડાશ્રી ડો. મોનાલી માકડીયા, સ્કીન ડોનેશન જેવા ઉમદા કાર્ય માટે સતત પ્રત્યનશીલ છે.