તાજેતરના એક અભ્યાસમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે જો વિશ્વમાં ઝડપથી ફેલાતા સ્ટ્રોકના કેસમાં બેદરકારી દાખવવામાં આવશે તો સાલ 2050 સુધીમાં સ્ટ્રોકથી મરનારા લોકોની સંખ્યા 10 મિલિયન સુધી પહોંચી શકે છે. તમને જણાવી દઈએ કે, દર વર્ષે સ્ટ્રોકના કારણે 90 હજારથી વધુ લોકો મૃત્યુ પામે છે. જો આ સંદર્ભે અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો સાલ 2050 સુધીમાં સ્ટ્રોકથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા બમણીથી વધુ થીને આંકડો એક કરોડને વટાવી શકે છે.
2050 સુધીમાં બમણી થઈ શકે છે સ્ટ્રોકથી મૃત્યુ થનારા લોકોની સંખ્યા
મીડિયા અહેવાલ મુજબ, મેડિકલ જર્નલ ધ લેન્સેટ ન્યુરોલોજીમાં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્ટ્રોકને યોગ્ય સમયે અટકાવી શકાય છે અને તેની સારવાર પણ કરી શકાય છે, પરંતુ આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તે ઓછી અને મધ્યમ આવક ધરાવતા લોકોમાં સૌથી વધુ પ્રચલિત છે. વર્લ્ડ સ્ટ્રોક ઓર્ગેનાઈઝેશન અને લેન્સેટ ન્યુરોલોજી કમિશન સાથે મળીને આ અંગે ચાર જેટલા અભ્યાસ હાથ ધરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું છે કે સાલ 2020માં, વિશ્વમાં 66 લાખથી વધુ લોકોએ સ્ટ્રોકના કેસોને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જો સ્ટ્રોકના કેસ અંગે સરકારો અને તબીબી સંસ્થાઓનું વલણ એવું જ રહેશે તો વર્ષ સાલ 2050 સુધીમાં સ્ટ્રોકથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને એક કરોડની આસપાસ થવાની ધારણા છે.
30 વર્ષમાં બમણી થઈ સંખ્યા
આરોગ્ય નિષ્ણાતોના મતે, જો આપણે વિશ્વભરમાં સ્ટ્રોકના કેસોને જોઈએ તો, છેલ્લા ત્રીસ વર્ષમાં સ્ટ્રોકથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા બમણી થઈ ગઈ છે. અંદાજ છે કે, આ સ્થિતિ યથાવત રહી તો સાલ 2050 સુધીમાં ભારત સહિત નીચી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં સ્ટ્રોકના કારણે મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે અને તે એક કરોડને પાર પહોંચી શકે છે. આ અંગે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના મહાનિર્દેશક ડૉ. રાજીવ બહલ કહે છે કે, જ્યાં સુધી બિન-સંચારી રોગોનો સંબંધ છે, ભારત આવા કેસોનો સામનો કરવા માટે ખૂબ જ સક્રિય રીતે કામ કરી રહ્યું છે. તાજેતરમાં ભારતમાં, ઈન્ડિયા હાઈપરટેન્શન કંટ્રોલ ઈનિશિએટીવે લગભગ 20 લાખ સ્ટ્રોક દર્દીઓનું ડિજિટલી નિરીક્ષણ કર્યું છે.
(Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, માહિતીઓ અને સૂચનો લાગુ કરતાં પહેલાં, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)