ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ટ્રાઈડેન્ટ ગ્રૂપના દેશભરમાં આવેલા વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. માહિતી મુજબ, સમગ્ર દેશમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટ્રાઇડેન્ટ ગ્રૂપ યાર્ન, હોમ ટેક્સટાઇલ, પેપર એન્ડ સ્ટેશનરી, કેમિકલ્સ અને એડપ્ટીવ પાવરના ક્ષેત્રોમાં કાર્યરત છે, તેની ઉત્પાદન સુવિધાઓ બુધની, મધ્યપ્રદેશ, બરનાલા અને ધૌલા, પંજાબમાં સ્થિત છે.
મીડિયા અહેવાલ અનુસાર, એક મોટી કાર્યવાહીમાં, આવકવેરા વિભાગ રાજધાની દિલ્હી અને પંજાબમાં લગભગ 30 સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે. ઈન્કમટેક્સ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા ટ્રાઈડેન્ટ ગ્રૂપ સાથે જોડાયેલા કેસમાં કરવામાં આવી રહ્યા છે. IT ટીમે મંગળવારે સવારે લગભગ 6:30 વાગ્યે ટ્રાઇડેન્ટ ગ્રૂપ સાથે સંકળાયેલી કંપનીના ડિરેક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને મેનેજર સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓના ઘરો અને અન્ય સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ માટે રાજધાની દિલ્હી, લુધિયાણા, ચંદીગઢ, સિરસા અને બરનાલા સહિત 30થી વધુ સ્થળોએ પહોંચી હતી. સીધીમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.
આવકવેરાના વરિષ્ઠ સૂત્રોનું કહેવું છે કે, છેલ્લા કેટલાક સમયથી આ કંપનીને મોટી રકમની કરચોરીના ઇનપુટ્સ અને પુરાવાઓ મળી રહ્યા હતા. તેથી, તે કેસોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, 30થી વધુ સ્થળોએ એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ પુરાવા, ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ મામલે વધુ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
જમ્મુ, કઠુઆ અને પઠાણકોટમાં EDની કાર્યવાહી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળના કેસમાં જમ્મુ, કઠુઆ અને પઠાણકોટમાં અલગ-અલગ સ્થળોએ સ્થિત આરબી એજ્યુકેશનલ ટ્રસ્ટના આઠ પરિસરમાં સર્ચ શરૂ કર્યું છે. ED અનુસાર, આ દરોડા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસ કરવામાં આવી રહેલા કેસ પર આધારિત છે.