આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2023માં નેધરલેન્ડે ધરમશાળામાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. આ વર્લ્ડકપનો બીજો મોટો ઉલટફેર છે. આ પહેલા અફઘાનિસ્તાને વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને હરાવ્યું હતું.
નેધરલેન્ડની 3 મેચમાં આ પ્રથમ જીત છે. આ પહેલા તેને પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે દક્ષિણ આફ્રિકાનો વિજય રથ રોકાઇ ગયો છે.ટેમ્બા બાવુમાની કેપ્ટન્સી ધરાવતી આફ્રિકન ટીમે પ્રથમ મેચમાં શ્રીલંકા અને બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. વરસાદને કારણે મેચ મોડી શરૂ થઇ હતી જેને કારણે મેચને 43-43 ઓવરની કરવામાં આવી હતી. નેધરલેન્ડે 8 વિકેટ ગુમાવીને 245 રન બનાવ્યા હતા. જવાબમાં આફ્રિકન ટીમ 42.5 ઓવરમાં 207 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.
આફ્રિકા તરફથી કોઇ પણ બેટ્સમેન મોટી ઇનિંગ્સ રમી શક્યો નહતો. ટીમ માટે ડેવિડ મિલરે 43, કેશવ મહારાજે 40 અને હેનરિક ક્લાસેને 28 રન બનાવ્યા હતા. નેધરલેન્ડના ફાસ્ટ બોલર લોગાન વેન બીકે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે પેસર પૉલ વેન મીકેરેન, બાસ ડી લીડે અને લેફ્ટ આર્મ સ્પિનર રૂલોફ વેન ડેર મેરવેએ 2-2 વિકેટ ઝડપી હતી. મેચમાં નેધરલેન્ડે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટ ગુમાવીને 245 રન બનાવ્યા હતા. કેપ્ટન સ્કૉટ એડવર્ડ્સે આક્રમક અંદાજમાં બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. એડવર્ડ્સે 69 બોલમાં 78 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને 1 સિક્સર અને 10 ફોર ફટકારી હતી. આ સિવાય રૂલોફ વેન ડેર મેરવેએ 29 રન બનાવ્યા હતા.