ભારત માં હાલ વર્લ્ડ કપનો માહોલ છે અને ક્રિકેટ ફેન્સ ક્રિકેટ ટીમો વચ્ચેના મુકાબલાનો આનંદ માણી રહ્યા છે ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવી એક તસવીર વાયરલ થઇ રહી છે જે ક્રિકેટ ચાહકોમાં ઉત્તજના જગાવી રહી છે.
વિશ્વકપની ટૂર્નામેન્ટમાં એવી બે મેચ પણ રમાઈ છે જેને ભાગ્યે જ કોઈ ક્રિકેટ ફેન્સ ભૂલી શકશે. પ્રથમ મેચમાં અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને અને બીજી મેચમાં નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. અલબત્ત, દક્ષિણ આફ્રિકા આ મેચ 38 રને હારી ગયું હતું, પરંતુ જીત કે હારથી આગળ આ મેચમાં દક્ષિણ આફ્રિકાના એક ખેલાડીના બેટે દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. દક્ષિણ આફ્રિકાનો સ્પિન બોલર કેશવ મહારાજ ક્રિકેટના મેદાનમાં સનાતનના સૌથી મહત્વપૂર્ણ પ્રતીક ‘ઓમ’ લખેલા બેટ સાથે બેટિંગ કરવા આવે છે. ભારતીય મૂળનો કેશવ જ્યારે 17 ઓક્ટોબર, મંગળવારના રોજ ધર્મશાલામાં નેધરલેન્ડ સામેની મેચમાં નવમા નંબર પર બેટિંગ કરવા આવ્યો ત્યારે લોકો તેના બેટ પર ‘ઓમ’નું ચિહ્ન જોતા જ રહ્યા. તેના બેટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ડિસેમ્બર 2022માં કેશવે પોતાનો એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તે પ્રેક્ટિસ દરમિયાન તેના બેટને જોઈ રહ્યો હતો. તમે આ બેટ પર ઓમનું પ્રતીક સ્પષ્ટ જોઈ શકો છો. આ પોસ્ટને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. 33 વર્ષીય કેશવ મહારાજ દક્ષિણ આફ્રિકાની ટીમ તરફથી રમે છે. તે ડાબોડી સ્પિન બોલર અને બેટ્સમેન છે. કેશવ મહારાજ અને તેમની પત્ની લરિશા બંને ભારતીય મૂળના છે. તેમના લગ્ન એપ્રિલ 2022 માં થયા હતા. કેશવ સાઉથ આફ્રિકામાં રહે છે, પરંતુ ભારતીય રિવાજોનું સંપૂર્ણ પાલન કરે છે. તમામ હિંદુ તહેવારો પણ ઉજવે છે. કેશવ મહારાજનો ઉત્તર પ્રદેશના સુલતાનપુર સાથે પણ ઊંડો સંબંધ છે. વાસ્તવમાં કેશવના પિતાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમના પૂર્વજો સુલતાનપુરના હતા. તેમના પૂર્વજો સારી નોકરીની શોધમાં 1874માં ભારતથી ડરબન આવ્યા હતા.