પાલનપુર આરટીઓ સર્કલ પર બની રહેલા બ્રિજ નીચે ઉભેલા રિક્ષામાં સવાર એક યુવક અને રિક્ષામાંથી ભાગવા જતા એક યુવકનું મોત નિપજ્યું હતું જેને લઈને તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. બનાવ અંગે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા મૃતકના પરિવારજનો અને સગાઓમાં રોષ ભભુકી ઉઠ્યો હતો.
જ્યાં સુધી બ્રિજનું કામ કરતી જી.પી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની સામે ગુનો દાખલ કરવામાં નહિં આવે ત્યાં સુધી બંને મૃતદેહ સ્વીકાર કરવામાં નહીં આવે. ઘટનાના બીજા દિવસની સવારે ન્યાયની માંગ સાથે સિમલા ગેટ પર ચક્કાજામ કરી તેમજ મહિલાઓ છાજિયા લઈ ઉગ્ર દેખાવો કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. જ્યાં પાલનપુર અને દિયોદર ડીવાયએસપીએ બનાવ અંગે ગુનો દાખલ કરવાની ખાતરી આપ્યા પછી મામલો માંડ માંડ થાળે પાડ્યો હતો. ત્યાર બાદ પરિવારજનોએ બંનેના મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. સાત ટ્રસ્ટીઓ અને ચાર એન્જિનિયરો સામે ફરિયાદ નોંધાઈ છે. દુર્ઘટના અંગે જિલ્લા પોલીસ વડા મકવાણાએ જણાવ્યું હતું કે બ્રિજનું કામ કરતી જી.પી.સી કન્સ્ટ્રક્શનના સાત ડિરેક્ટરો અને કંપનીના ચાર એન્જિનિયરો સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે કલમ 304 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.