ભારતમાં આતંકી હુમલાને લઇ ખાનગી એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. એવા અહેવાલ છે કે, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર તેના આતંકવાદીઓને હમાસ દ્વારા કરવામાં આવેલા નરસંહારના વીડિયો બતાવીને ભારત માટે તૈયાર કરી રહ્યું છે. ગુપ્તચર એજન્સીઓને તેના ઇનપુટ મળ્યા છે.
આ વિડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે હમાસના લડવૈયાઓ મોટરાઈઝ્ડ ગ્લાઈડર અને હેન્ડ ગ્લાઈડરનો ઉપયોગ કરીને ઈઝરાયેલમાં પ્રવેશ્યા. લશ્કરે આવા હુમલાઓ માટે કેટલાક ભારે ડ્રોન પણ ખરીદ્યા છે, જે એક વ્યક્તિને લઈ જઈ શકે છે. આને મેન લિફ્ટિંગ ડ્રોન કહેવામાં આવે છે. કેટલાક હેંગ ગ્લાઈડર પણ ખરીદવામાં આવ્યા છે.
આશંકા છે કે, લશ્કર ગુજરાત, રાજસ્થાન, કાશ્મીર અને પંજાબમાં હમાસ જેવા હુમલા કરી શકે છે. તેથી સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયે સુરક્ષા એજન્સીઓને સૂચના આપી છે કે, આવી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે જારી કરાયેલ SOPનું કડકપણે પાલન કરે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુપ્તચર એજન્સીઓને એવી માહિતી મળી છે કે, લશ્કર પાકિસ્તાનમાં ચાલતા આતંકવાદી કેમ્પોમાં હમાસના વીડિયોનો પ્રચાર કરી રહ્યું છે, જેથી આતંકવાદીઓ હમાસની હુમલાની રણનીતિ સારી રીતે જાણી શકે. સૂત્રોનું કહેવું છે કે, ગૃહ મંત્રાલયની સૂચનાને પગલે સરહદી વિસ્તારમાં ડ્રોનની દેખરેખ વધારવામાં આવી છે. સુરક્ષા કર્મચારીઓને કોઈપણ ઉડતી વસ્તુને મારવાના આદેશો મળ્યા છે. સરહદી વિસ્તારોમાં રડાર દ્વારા પણ દેખરેખ રાખવામાં આવી રહી છે.






