ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સિલ્ક્યારામાં નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો છે. સુરંગની અંદર લગભગ 40 કામદારો જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તેમને બહાર કાઢવા માટે ‘એસ્કેપ ટનલ’ બનાવવા માટે 130 કલાકથી વધુ સમયથી પ્રયાસો ચાલુ છે. બચાવ દળ દ્વારા લાવવામાં આવેલ અત્યંત શક્તિશાળી અમેરિકન ઓગર મશીન શુક્રવારે 24 મીટર જેટલો કાટમાળ કાઢ્યો છે.
ટનલમાં બચાવ કામગીરી માટે બેકઅપ તરીકે અમેરિકન મશીન જેવા સાધનો ઈન્દોરથી મંગાવવાળા આવી રહ્યા છે. નેશનલ હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL)ના એક અધિકારીએ એવા અહેવાલોને ફગાવી દીધા હતા કે અમેરિકન મશીનમાં ટેકનિકલ સમસ્યાના કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે.
આ મશીન માત્ર બેકઅપ માટે ઈન્દોરથી લાવવામાં આવી રહ્યું છે. NHIDCLના ડિરેક્ટર અંશુ મનીષ ખલકોએ જણાવ્યું હતું કે કાટમાળમાં ડ્રિલિંગ કરીને ચાર છ મીટર લાંબી પાઇપ નાખવામાં આવી છે જ્યારે પાંચમી પાઇપ નાખવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે કહ્યું કે ચોથી પાઇપનો છેલ્લો બે મીટરનો ભાગ બહાર રાખવામાં આવ્યો છે જેથી પાંચમી પાઇપને યોગ્ય રીતે જોડી શકાય અને અંદર દાખલ કરી શકાય.
ઈમરજન્સી રેસ્ક્યુ માટે ટનલમાં હ્યુમ પાઈપ કેમ ન હતી તે કંપનીની કાર્યશૈલી પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. આ બાંધકામ કંપનીની બેદરકારી દર્શાવે છે. જો કે, આ બેદરકારી ગુનો બને છે જ્યારે ખબર પડે છે કે પાઇપ ત્યાં હતી પરંતુ થોડા સમય પહેલા કાઢી નાખવામાં આવી હતી. આ પાઈપ શા માટે અને કોની સૂચના પર હટાવવામાં આવી તે પ્રશ્ન છે.
હકીકતમાં, ટનલ બાંધકામની શરૂઆતમાં, કટોકટીની સ્થિતિમાં સલામતી માટે હ્યુમ પાઇપ નાખવામાં આવે છે. આ પાઇપ ટનલ ખોદવામાં આવે ત્યાં સુધી લંબાવવામાં આવે છે. ઉત્તરકાશીની આ ટનલનું નિર્માણ લગભગ પૂર્ણ થઈ ગયું હતું. અહીં પણ નિયમ મુજબ પાઇપ નાખવામાં આવી હતી. જેથી કરીને જો આવો કોઈ અકસ્માત થાય તો આ પાઈપ દ્વારા કામદારો બહાર આવી શકે. પરંતુ, ઘટનાસ્થળે હાજર સુત્રોના જણાવ્યા મુજબ અહી બિછાવેલી આ પાઇપ થોડા સમય પહેલા બહાર કાઢવામાં આવી હતી.
પર્વતનો આ ભાગ હંમેશા સંવેદનશીલ રહ્યો છે. આવી સ્થિતિમાં હંમેશા કોઈ ખતરાની શક્યતા રહેતી હતી. તો પછી આટલી મોટી ભૂલ કેમ થઈ? કહેવામાં આવી રહ્યું છે કે મજૂરોના બચાવ બાદ આ મામલે મોટી કાર્યવાહી પણ થઈ શકે છે.
ટનલ પાસે અસ્થાયી હોસ્પિટલ બનાવવામાં આવી
ઉત્તરકાશીના ચીફ મેડિકલ ઓફિસર આરસીએસ પંવારે કહ્યું કે ટનલ પાસે છ બેડની અસ્થાયી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે 10 એમ્બ્યુલન્સ સાથે ઘણી તબીબી ટીમો પણ સ્થળ પર તૈનાત છે જેથી કામદારો જ્યારે બહાર આવે ત્યારે તેમને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી શકાય.