અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે થોડા કલાકોની શાંતિ પછી મંગળવારે રાત્રે ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં ફરી એકવાર અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે જોરદાર સંઘર્ષ થયો. પાકિસ્તાને દાવો કર્યો કે અફઘાન તાલિબાન અને ‘ફિત્ના અલ-ખ્વારીઝ’એ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો, જેના જવાબમાં પાકિસ્તાની સેનાએ સખત કાર્યવાહી કરી. બંને પક્ષે ટેન્કોને નુકસાન થયું અને ચોકીઓ પર કબજો કરવાના દાવા કરાયા.
આ અથડામણ પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફના નિવેદન પછી તરત થઈ, જેમણે સરહદ પરની તણાવપૂર્ણ સ્થિતિ અંગે ચેતવણી આપી હતી. પાકિસ્તાનના સૂત્રોએ દાવો કર્યો કે પાકિસ્તાની હુમલામાં તાલિબાનની ઘણી ચોકીઓને ભારે નુકસાન થયું છે. પાકિસ્તાની સૂત્રોએ પુષ્ટિ કરી કે જવાબી ગોળીબારમાં એક તાલિબાની ટેન્ક નાશ પામી, જેના પગલે હુમલાખોરો ચોકીઓ છોડીને ભાગી ગયા. સંરક્ષણ સૂત્રો અનુસાર, પાકિસ્તાની સેનાઓ હાઇ એલર્ટ પર છે અને સરહદની સુરક્ષા માટે સક્ષમ છે. પાકિસ્તાને અન્ય એક હુમલામાં વધુ એક અફઘાન ટેન્ક નષ્ટ કરવાનો પણ દાવો કર્યો.
જ્યારે અફઘાનિસ્તાન સમર્થિત ‘X’ હેન્ડલ ‘વૉર ગ્લોબ ન્યૂઝ’ એ અલગ દાવો કર્યો છે. તેમણે તાલિબાની ડ્રોન દ્વારા પખ્તુનખ્વાના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાની સૈન્ય અડ્ડા પર વિસ્ફોટક ફેંકતા વીડિયો લીક થવાનો દાવો કર્યો છે. અન્ય એક વીડિયોમાં તાલિબાનને પાકિસ્તાની પોસ્ટ પર ડ્રોન ફેંકતા બતાવવામાં આવ્યું છે.અફઘાનિસ્તાન સમર્થિત અન્ય એક હેન્ડલ, અફઘાનિસ્તાન ડિફેન્સએ કહ્યું છે કે અફઘાની સૈનિકોએ પાકિસ્તાનમાં એ જગ્યાઓને નિશાન બનાવી છે જ્યાંથી અફઘાનિસ્તાન માટે ખતરો ઊભો થાય છે. અફઘાન ફોર્સ પાકિસ્તાનમાં દાએશ (ISIS) ગ્રૂપના તમામ અડ્ડાઓને નિશાન બનાવશે. તેમજ અફઘાનિસ્તાન ડિફેન્સે દાવો કર્યો છે કે રાત્રે થયેલા હુમલામાં 7 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે.






