સુત્રોના જણાવ્યા પ્રમાણે હવે સંસદના શિયાળુ સત્ર દરમિયાન, લોકસભાના સભ્યો પોર્ટલ અથવા એપ્લિકેશન માટે પાસવર્ડ અને OTP શેર કરી શકાશે નહીં. ગૃહમાં પ્રશ્નો માટે નોટિસ ફાઈલ કરવા, મુસાફરી બિલ સબમિટ કરવા અથવા તેમના સત્તાવાર ઈમેલને ઍક્સેસ કરવા માટે કોઈની પણ મદદ લઈ શકશે નહીં. લોકસભાની એથિક્સ કમિટીએ હવે તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઇત્રા પર પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી શરૂ કરી છે કારણ કે તેમેણે દુબઈ સ્થિત ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની સાથે કથિત રીતે સંસદના પોર્ટલનો સત્તાવાર ઈમેલ-પાસવર્ડ શેર કર્યો હતો.
સુત્રોના જણાવ્યા મુજબ ગૃહમાં પ્રશ્નો સબમિટ કરવા, ઈમેલ એક્સેસ કરવા અને બિલ સબમિટ કરવા જેવા સભ્યોના નિયમિત કાર્યોની સુવિધા માટે સચિવો અને સાંસદોના અંગત સહાયકોને ડીજીટલ સંસદ પોર્ટલ અને એપ્સની ઍક્સેસ આપવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ એક્સેસ હવે માત્ર સાંસદો સુધી સીમિત રહેશે. જો કે, સચિવાલય દ્વારા આ અંગે હજુ સુધી સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવી નથી. ઘણા સભ્યોના સમય અને કૌશલ્યની મર્યાદાઓને જોતા આ મુશ્કેલ કાર્ય હોઈ શકે છે.
મોટા ભાગના સાંસદ સભ્યો તેમના સહાયકો અથવા સચિવોની બાજુમાં બેસીને તેમના કામ કરવા માટે પાસવર્ડ અને OTP શેર કરે છે. આ પગલાથી સાંસદોએ તેમનું ડિજીટલ કામ જાતે જ કરવાનું રહેશે. ઘણા એવા સાંસદો છે જેઓ હજુ પણ ડિજિટલ કામ માટે તેમના અંગત સચિવો અને સહાયકો પર નિર્ભર છે. તેમના માટે સમસ્યા ઉભી થઈ શકે છે.