રાજસ્થાનમાં વિધાનસભાની 200માંથી 199 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. ચૂંટણીમાં કુલ 1863 ઉમેદવારો મેદાનમાં છે. મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. 3 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. આજે રાજ્યના 5 કરોડ 26 લાખ 90 હજાર 146 મતદારો આ ઉમેદવારો અંગે નિર્ણય કરશે.
ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. ચૂંટણીના પરિણામો નક્કી કરશે કે રાજસ્થાનમાં સરકાર બદલાશે કે પરંપરા ચાલુ રહેશે. સીએમ ગેહલોત સરદારપુરાથી મેદાનમાં છે જ્યારે વસુંધરા રાજે ઝાલરાપાટન સીટથી મેદાનમાં છે. ભાજપે આ ચૂંટણીમાં 7 સાંસદોને પણ મેદાનમાં ઉતાર્યા છે. તેમના પર પણ બધાની નજર રહેશે. વિદ્યાધર નગર બેઠક પરથી રાજસમંદના સાંસદ દિયા કુમારી, તિજારા બેઠક પરથી અલવરના સાંસદ બાબા બાલકનાથ, ઝોતવાડા બેઠક પરથી જયપુર ગ્રામ્યના સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડ, કિશનગઢથી અજમેરના સાંસદ ભગીરથ ચૌધરી, જાલોર-સિરોહીના સાંસદ દેવજી પટેલ સાંચોર બેઠક પરથી ઉતર્યા છે.
આ વખતે વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડની બેઠક બદલાઈ છે. ચુરુને બદલે તેઓ તારાનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, અહીં તેમના હરીફ કોંગ્રેસના નરેન્દ્ર બુધનિયા છે. જ્યારે ઝુનઝુનુના સાંસદ નરેન્દ્ર ખેકરને મંડાવા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યારે રાજ્યસભાના સાંસદ કિરોડીલાલ મીણાને સવાઈ માધોપુર બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.