તમિલનાડુના ડિરેક્ટોરેટ ઓફ વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન એ શુક્રવારે લાંચ લેવાના આરોપસર કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીને ધરપકડ કરી હતી. આરોપ છે કે ED અધિકારીએ સરકારી કર્મચારી પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ધરપકડ કરાયેલ અધિકારીની ઓળખ અંકિત તિવારી તરીકે થઈ છે, જે મદુરાઈમાં ED પ્રાદેશિક કાર્યાલયમાં કામ કરે છે.
DVAC અધિકારીઓએ અંકિત તિવારી સાથે સંકળાયેલા કેસના સંબંધમાં મદુરાઈમાં ED ઓફિસ પર પણ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ઓફિસની બહાર સીઆરપીએફના જવાનો તૈનાત હતા. DVACને લાંચના કેસમાં EDના અન્ય અધિકારીઓ સાથેની મિલીભગતની શંકા છે. અંકિત તિવારીને ડિંડીગુલમાં અટકાયતમાં લીધા બાદ ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ પછી કોર્ટે આરોપીને 15 ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. આ પહેલા અધિકારીઓએ તિવારીની સઘન પૂછપરછ કરી હતી. DVACએ કહ્યું કે અમારી ટીમ તપાસ કરી રહી છે કે શું આરોપી અધિકારીએ અગાઉ બ્લેકમેલ કરીને અથવા ધમકી આપીને અન્ય કોઈ પાસેથી પૈસા પડાવી લીધા હતા.