પાકિસ્તાનમાં છુપાઈને બેઠેલા ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર અને આતંકી દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવામાં આવ્યું હોવાની અટકળોથી સોશિયલ મીડિયામાં ગઈકાલે હલચલ જોવા મળી હતી. જો કે હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે, દાઉદ ઈબ્રાહિમને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે. દાઉદનો આગામી દિવસોમાં જન્મ દિવસ આવી રહ્યો છે અને ત્યારે જ તે બીમાર પડ્યો છે.
દાઉદનો જન્મ દિવસ 26 ડિસેમ્બરે છે અને હવે તે 68મો જન્મ દિવસ ઉજવવા માટે જઈ રહ્યો છે. આ વખતે પણ દાઉદ મોટી પાર્ટી કરવાના મૂડમાં હતો અને એવું કહેવાય છે કે, પૂર્વ પીએમ ઈમરાન ખાનને પણ આ પાર્ટી માટે નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું. આખો પરિવાર ઉજવણી માટે તૈયારી કરી રહ્યો હતો પણ દાઉદની તબિયત ખરાબ છે અને તે જોતા જન્મ દિવસ ઉજવવાના તેના ઈરાદાઓ પર પાણી ફરી વળ્યુ છે.
દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવામાં આવ્યું હોવાની ચર્ચા વચ્ચે પાકિસ્તાનમાં ઈન્ટરનેટ પણ બંધ થતા અટકળોને વેગ મળી હતી. જોકે પાકિસ્તાની મીડિયા અને સરકાર તો આ મુદ્દે મૌન ધારણ કરીને બેઠી છે. એવું કહેવાઈ રહ્યું છે કે, દાઉદને ફૂડ પોઈઝનિંગ થયા બાદ તેના બંગલાના પહેલા માળે એક રૂમને જ હોસ્પિટલમાં ફેરવી નાંખવામાં આવ્યો હતો. જ્યાં મોટા ડોકટરોને મોકલવામાં આવ્યા હતા. બંગલામાં જ તેની સારવાર કરવામાં આવી હતી.