જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં આતંકવાદીઓ માટે ભારતીય સેનાનું સર્ચ ઓપરેશન ત્રીજા દિવસથી સતત ચાલુ છે. હાલમાં, રાજૌરી અને પુંછમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ત્રણ દિવસ સુધી ઓપરેશન દરમિયાન આતંકવાદીઓના કોઈ સમાચાર ન મળ્યા બાદ, લશ્કરી અધિકારીઓને શંકા છે કે આતંકવાદીઓ આ વિસ્તારમાંથી ભાગવામાં સફળ થયા છે. આજે પણ ગ્રાઉન્ડ ઓપરેશનની સાથે સુરક્ષા દળ ડ્રોન અને હેલિકોપ્ટરની મદદથી રાજૌરી અને પૂંછના ગાઢ જંગલોમાં આતંકીઓની શોધમાં ઓપરેશન ચાલું રાખ્યું છે.
21 ડિસેમ્બરે પૂંછ જિલ્લામાં આતંકવાદીઓએ સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો. ત્યાર પછી 22 ડિસેમ્બરે ત્રણ લોકો શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી. ભારતીય સુરક્ષા દળ દ્વારા આતંકવાદીઓને શોધવા માટે હેલિકોપ્ટરની સાથે ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે. સાથે જ સેનાએ ગ્રાઉન્ડ સર્ચ ઓપરેશનને કડક કરી દીધું છે. ભારતીય સૈન્યએ હુમલાની કેટલીક કડીઓ મેળવવા માટે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા એક ડઝન સ્થાનિક લોકોની અટકાયત કરી છે.