મહુવામાં રહેતા યુવકે વ્યાજે લીધેલા નાણાની પઠાણી ઉઘરાણી કરી તલવાર બતાવી પિતા-પુત્રએ ત્રાસ આપતા યુવકે ફીનાઈલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ મહુવામાં આવેલ ફાતેમા સોસાયટી, એસ.કે ની વાડી માં રહેતા ઇમરાનભાઈ યુનુસભાઇ શેખ ( ઉં.વ. ૩૫ ) એ યાસીનભાઈ ખોજા પાસેથી રૂ.૫૦,૦૦૦ અને રૂ.૧,૫૦,૦૦૦ લાખ મળી કુલ રૂપિયા ૦૨ લાખ ૧૫ ટકાના વ્યાજે લીધા હતા. વ્યાજે આપેલા નાણાની યાસીનભાઈ અવારનવાર ઉઘરાણી કરતા તેમણે બે માસ પહેલા તેમના પત્નીનો સોનાનો ચેન ગીરવે મૂકીને રૂપિયા દોઢ લાખ તેમજ તેનું વ્યાજ રૂ.૨૨,૫૦૦ ચૂકવી દીધા હતા. ત્યારબાદ બાકી રહેતા રૂ.૫૦,૦૦૦ ની અવારનવાર ઉઘરાણી કરી તેમના મિત્રોએ આપેલ સ્કુટી તેમજ બુલેટ મોટરસાઇકલ પણ યાસીનભાઈ લઈ ગયા હતા.
ગત તા. ૨૪/૧૨ ના રોજ રાત્રિના સમયે યાસીનભાઈ અને તેનો દીકરો અમન યાસીનભાઈ તેમના ઘરે આવી યાસીનભાઈએ તલવાર બતાવી બાકી પૈસાની ઉઘરાણી કરી જતા રહ્યા હતા તેમજ તા. ૨૬/૧૨ ના રોજ સવારે ફરી ફોન કરીને ઉઘરાણી કરતા ઇમરાનભાઈ એ તેમના ઘરે ફિનાઈલ પી લેતા તેમને સારવાર અર્થે મહુવાની હનુમંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે ઇમરાનભાઈએ યાસીનભાઈ ખોજા અને તેના દીકરા અમનભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ કરી છે.