દેશમાં અંગ્રેજ શાસન સમયના ઈન્ડીયન પીનલ કોડ સહિતના ત્રણ ફોજદારી કાનૂનના સ્થાને હાલમાં જ સંસદે મંજુર કરેલા નવા ભારત ન્યાય સંહિતા સહિતના ત્રણ કાનૂનનો વિવાદ શરૂ થયો છે. એક તરફ આ કાનૂન હેઠળ હીટ એન્ડ રનના કેસમાં ડ્રાઈવરને 10 વર્ષની જેલ સજા જેવી આકરી જોગવાઈનો દેશભરમાં ટ્રક ડ્રાઈવર્સ દ્વારા વિરોધ અને ચકકાજામ જેવી સ્થિતિ બનાવાઈ છે. તો આ કાનૂનથી પોલીસને અમર્યાદીત સતા મળી જશે અને નાગરિકોના અધિકારોનું હનન થશે તેવી રજુઆત સાથે ત્રણેય કાનુનોના અમલ સામે ‘સ્ટે’ આપવા સુપ્રીમકોર્ટમાં અરજી થતા હવે કાનૂન મુદે નવો કાનૂની જંગ છેડાય તેવો સંકેત છે.
દિલ્હીમાં એક ધારાશાસ્ત્રી વિશાલ તિવારીએ કરેલી રીટમાં ત્રણેય નવા કાનૂન જૂની અંગ્રેજ શાસનથી કાનુની વિરાસતને ખત્મ કરવામાં કોઈ રીતે કામીયાબ થશે નહી અને દેશમાં ‘પોલીસ-રાજ’ આવી જશે તેવો ભય દર્શાવાયો છે. આ ત્રણેય નવા કાનૂનને રાષ્ટ્રપતિની પણ મંજુરી મળી ગઈ છે. સુપ્રીમમાં એક મજબૂત દલીલમાં કહેવાયું છે કે નવા કાનૂનમાં કોઈપણ વ્યક્તિને પોલીસ જામીન વગર જે રીતે કસ્ટડી કે જેલમાં રાખી શકે છે તેની અવધી વધારાની જોગવાઈએ સુપ્રીમકોર્ટના અનેક ચુકાદાઓની વિરુદ્ધમાં છે. ઉપરાંત સંપતિ જપ્તીની જોગવાઈમાં કોઈ રક્ષણ અપાયુ નથી અને ઈલેકટ્રોનિક પુરાવાની માન્યતા અંગે કોઈ જોગવાઈ નથી.
સુપ્રીમ કોર્ટમાં દલીલ થઈ હતી કે કોઈ ખાસ સમયમાં (અંગ્રેજોના શાસનમાં) જનતા પર નિયંત્રણો માટે આ કાનૂન બનાવાયા હતા તેનાથી પણ વધુ આકરી જોગવાઈ આ નવા કાનૂનમાં પોલીસને વધુ પડતી સતા અપાઈ છે. આ મુદે અરજદારે સુપ્રીમકોર્ટ નિષ્ણાંતોની કમીટી બજારમાં ત્રણેય કાનૂનોની સમીક્ષા કરે તેવી માંગ કરી છે અને ત્યાં સુધી આ કાનૂનોની જોગવાઈઓ પર ‘સ્ટે’ આપવાની પણ માંગ કરાઈ છે.