વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશનાં અમૃતકાળમાં વિકસીત ભારત @2047નાં આપેલાં સંકલ્પને સાકાર કરવા ગુજરાતે વિકસીત ગુજરાત @2047નો બહુઆયામી વિઝન ડોક્યુમેન્ટ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનાં પ્રથમ દિવસે લોંચ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ અને નીતિ આયોગનાં માર્ગદર્શનમાં આ પ્રકારનું પોતાનું આગવું વિઝન ડોક્યુમેન્ટ લોંચ કરનારૂં દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતિ નિર્મલા સિતારામન, નીતિ આયોગનાં સી.ઇ.ઓ. સુબ્રમણ્યમ તેમજ વડપ્રધાનનાં અગ્રસચિવ ડો.પી.કે મિશ્રાની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલા સેમિનારમાં આ ડોક્યુમેન્ટ લોંચ કરતાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વિઝન ડોક્યુમેન્ટને સાકાર કરવા ગુજરાત સરકાર સપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં ગુજરાતે વાઇબ્રન્ટ સમિટ સહિત પાછલાં બે દશકમાં વિકાસનાં અનેક નવા આયામો પ્રસ્થાપિત કર્યાં છે અને દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. સ્ટાર્ટ અપ રેન્કીંગમાં ગુજરાત બેસ્ટ પર્ફોર્મર છે એટલું જ નહીં સૌથી વધુ કાર્ગો હેન્ડલીંગ કરતું રાજ્ય હોવા સાથે દેશનાં ઇન્ડસ્ટ્રીયલ આઉટમાં 15 ટકા અને એક્સપોર્ટમાં 33 ટકા યોગદાન આપે છે.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાનએ હવે દેશનાં અમૃતકાળ 2047 સુધીમાં ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાની નેમ રાખી છે તેમાં ગુજરાતે વિકસીત ગુજરાત 2047 વિઝન ડોક્યુમેન્ટનાં આ લોચિંગથી અગ્રેસર રહેવાની પરંપરા જાળવી છે.