ઘોઘા તાલુકાના ખાટડી ગામની સીમમાં આવેલ વાડીના તળમાં વરતેજ પોલીસે દરોડો પાડી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી લઇ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીના સાધનો, દેશી દારૂ, આથો, બેરલ મોટરસાઇકલ સહિતનો મુદ્દામાલ કબજે કરી શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વરતેજ પોલીસ સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ખાટડી ગામમાં આવેલ ગ્રીનવેલી ફાર્મની પાછળની વાડીના તળમાં આવેલ ડુંગરની ધારમાં ખાટડી ગામનો અજયસિંહ ચકુભાઇ રાયજાદા દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે.આ બાતમીના આધારે વરતેજ પોલીસે દરોડો પાડી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીના સાધનો, ગરમ તથા ઠંડો દેશીનો દારૂ, આથો, ગોળના ૨૦ નંગ ડબ્બા, પ્લાસ્ટિકનો ટાંકો તેમજ પ્લાસ્ટિકના ત્રણ બેરલ, લોખંડના બે નંગ બેરલ, એક મોટરસાઇકલ મળી કુલ રૂ. ૨૨,૨૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.