દુનિયાભરમાં અર્થતંત્રથી માંડીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી આગવી ઓળખ ઉભી કરનાર ભારતે 2036ના ઓલિમ્પીક રમતોત્સવ માટે દાવેદારી કરવાનો નિર્ણય લીધો છે ત્યારે ભારતના આ પ્રયાસ સફળ થવાના સંજોગોમાં ઉદઘાટન અને સમાપન સમારોહ અમદાવાદના મોટેરામાં જ યોજવાની તૈયારી કરવામાં આવી છે અને આ માટે 6000 કરોડનો માસ્ટર પ્લાન પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના માહિતગાર સુત્રોએ જણાવ્યું છે કે 2036 ઓલિમ્પીકનું યજમાન ભારત બને તો ઓપનીંગ અને ક્લોઝીંગ સેરેમની મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં યોજવામાં આવશે. સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને રાજ્ય સરકારે પણ તેને અંતિમ રૂપ આપી દીધું છે. આ સ્ટેડીયમમાં જ એથ્લેટીક્સથી માંડીને ક્રિકેટ સુધીની રમતો રમાશે. સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના માસ્ટર પ્લાનમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે 53 હજાર દર્શકોની ક્ષમતા સાથેનું ફુટબોલ સ્ટેડીયમ, 12 હજાર દર્શકોની ક્ષમતા સાથેનું એકવેટીક સેન્ટર, 15 હજાર દર્શકોની ક્ષમતા સાથેનું ટેનીસ સેન્ટર તથા બાસ્કેટ બોલ, જીમ્નેસ્ટીક તથા હેન્ડબોલ માટેના 3 એરેના ઉભા કરવામાં આવશે. સમગ્ર પ્રોજેકટ પાછળ 6 હજાર કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. માસ્ટર પ્લાનમાં એવી સતાવાર નોંધ મુકવામાં આવી છે કે અન્ય અનેક રમતો પણ ગુજરાતમાં યોજાય તે માટે ચકાસણી કરવામાં આવશે. વર્લ્ડ એકવેટીક્સ ચેમ્પીયન્સીપ વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પીયન્સીપ, એશિયન યુથ ગેમ્સ, એશિયન ઇન્ડોર અને માર્સલ આર્ટ ગેમ્સ તથા અન્ય ઓલિમ્પીકમાં સામેલ થતી રમતોની સ્પર્ધા પણ યોજવા વિશે ચકાસણી કરાશે. રાજ્ય સરકારે ઇન્ટરનેશનલ બ્રોડકાસ્ટીંગ સેન્ટર અને મુખ્ય પ્રેસ મીડિયા સેન્ટર મહાત્મા મંદિર કન્વેન્સન સેન્ટરમાં યોજવાની પણ દરખાસ્ત કરી છે.
નરેન્દ્ર મોદી સ્ટેડીયમની નજીક મોટેરા ખાતે 236 એકરમાં સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટસ એન્ક્લેવનો પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. 93 લાખ સ્કેવેરફીટમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ તૈયાર થશે અને તેમાં સંખ્યાબંધ રમત રમાડવાની સુવિધા હશે. ઓલિમ્પીકની બીડ અમદાવાદ મેળવી શકે તો એસવીપી કોમ્પ્લેક્ષની સાથોસાથ નારણપુરામાં 31 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં પણ જુદી-જુદી રમતો રમાડવાનું આયોજન છે.