16 તારીખની મધરાતે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ઈરાને એરસ્ટ્રાઈક કર્યા પછી પાકિસ્તાન બેબાકળું બની ગયું છે અને હવે ગઈકાલે રાતે તેણે વળતો પ્રહાર કર્યો છે. સમાચાર એજન્સી એએફપીએ આ વાતની પુષ્ટિ કરી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈરાનના સરવાન વિસ્તારમાં અલગતાવાદી સંગઠનના 7 અડ્ડાઓ પર હુમલો કરવામાં આવ્યો છે. પાક.માં રહેલા આતંકી જૂથે ઈરાનના કર્નલને મારી નાખ્યાનો દાવો પણ થઈ રહ્યો છે.
પાકિસ્તાન દ્વારા હજુ સુધી આ સ્ટ્રાઈકની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પાકિસ્તાની પત્રકાર સલમાન મસૂદના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને ઈરાનની સરહદમાં 40-50 કિલોમીટર અંદર ઘૂસીને હુમલો કર્યો છે. મંગળવારે રાત્રે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ઈરાન દ્વારા મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ બંને દેશો વચ્ચેનો સંઘર્ષ વધી ગયો હતો. ઈરાનના વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાહિયાને પાકિસ્તાનનાવિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાની સાથે ફોન પર વાત કરી હતી.તેણે કહ્યું હતું કે આ હુમલો ઈરાનના આતંકવાદી સંગઠન પર કરવામાં આવ્યો હતો. આમાં પાકિસ્તાનનો કોઈ નાગરિક ઘાયલ થયો નથી. આના પર જિલાનીએ કહ્યું હતું કે કોઈ પણ દેશે આવો જોખમી માર્ગ ન અપનાવવો જોઈએ. પાકિસ્તાનને ઈરાનના હુમલાનો જવાબ આપવાનો પૂરો અધિકાર છે.






