ઈલોન મસ્કએ સોશિયલ મિડીયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે માનવ મગજમાં ચિપ ઈમ્પ્લાન્ટ કરવાનો પ્રથમ ટેસ્ટ સફળ રહ્યો છે. અને માનવ મગજમાં આ ચિપનું સફળ પરિક્ષણ ઈલોન મસ્કની કંપની ન્યુરાલિંકને કર્યું છે. આ ઉપરાંત મસ્કે જણાવ્યું હતું કે જે વ્યક્તિમાં ચિપ લગાવવામાં આવી છે તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.
નોંધનીય છે કે ન્યુરાલિંકને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા ગયા વર્ષે મેમાં માનવ મગજમાં ચિપ લગાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી. ઇલોન મસ્કે જણાવ્યું હતું કે ચિપ લગાવ્યા પછીના પરિણામો ખૂબ જ સારા અને પ્રોત્સાહન આપનારા છે. ન્યુરાલિંકની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર સ્વતંત્ર સંસ્થાકીય સમીક્ષા બોર્ડ તરફથી મંજૂરી મળી ગઈ હતી અને ત્યારબાદ તબીબી ઉપકરણ PRIME નું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં વાયરલેસ મગજ કોમ્પ્યુટર ઈન્ટરફેસનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને તે સફળ રહ્યું હતું. આ પરીક્ષણનો હેતુ માનવ મગજમાં ચિપ લગાવ્યા બાદ તેનું મૂલ્યાંકન કરવાનો હતો.
આ ચિપ્સની મદદથી વિકલાંગ લોકો કે જેઓ ચાલી શકતા નથી, બોલી શકતા નથી અથવા જોઈ શકતા નથી તેઓ ફરીથી અમુક અંશે સારું જીવન જીવી શકશે. આ ઉપરાંત ચિપની મદદથી, ન્યુરલ સિગ્નલ કમ્પ્યુટર અથવા ફોન જેવા ઉપકરણોમાં ટ્રાન્સમિટ કરી શકાય છે. જો કે મસ્કની કંપનીને અગાઉ લેબમાં પ્રાણીઓ પર ચિપ પરીક્ષણ હાથ ધર્યું હતું, જેના માટે કંપનીની ભારે ટીકા થઈ હતી.
જો કે હજારો લોકોએ પોતાના મગજમાં ન્યુરાલિંક ચિપ ઈમ્પ્લાન્ટ કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વર્ષ 2030 સુધીમાં કંપનીએ 22 હજાર લોકોના મગજમાં આ ચિપ લગાવવાનું લક્ષ્ય રાખ્યું છે.