અમદાવાદમાં સૌપ્રથમ વાર સાંકડી જગ્યાએ હવે એકસાથે 12 ગાડીઓ પાર્ક કરવા મિકેનિકલ રોટરી પાર્કિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવશે. પાયલોટ પ્રોજેકટ તરીકે AMCના પરિસરમાં મિકેનિકલ રોટરી પાર્કિંગ ઊભું કરવામાં આવશે. શહેરમાં એર પોલ્યુશન ઘટાડવા માટે રૂ. 1 કરોડના ખર્ચે આ પાર્કિંગ ઊભું કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા વર્ષ 2024-25ના ડ્રાફ્ટ બજેટમાં 40 જેટલા સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવનાર છે.
અમદાવાદમાં એર પોલ્યુશન ઘટાડવાનાં આશયથી National Clean Air Programme અંતર્ગત 12 ગાડી (SUV) પાર્ક થઇ શકે તે મુજબની મિકેનિકલ રોટરી પાર્કિંગ સિસ્ટમના મુખ્ય ફાયદાઓ 2 કારની જગ્યામાં 12 કાર પાર્કિંગ થઈ શકશે. જેનાથી ગ્રાઉન્ડ સ્પેસ પાર્કિગમાં રાહત મળી રહેશે. સમગ્ર સિસ્ટમ ઓટો ગાઇડન્સ અને મલ્ટીપલ સેફટી સાથે ડિઝાઈન થઈ છે. શહેરમાં ત્યાં પણ સૌથી ઓછી અને સાંકડી જગ્યા હોય એવાં સ્થળો ઉપર આ પાર્કિંગ સિસ્ટમ એકદમ અત્યાધુનિક અને ટેકનોલોજીથી ઉપયોગી છે. જેમાં એક કાર પાર્ક કરવામાં ફક્ત 45 સેકન્ડનો સમય લાગે છે. ઇલેકટ્રીસિટી ન હોય એવા સમયે મેન્યુઅલ ઓપરેશનથી પણ પાર્ક થયેલા વાહનને નીચે લાવી શકાય છે. આ પાર્કિંગ માટે ઓનલાઇન પેમેન્ટ કરી શકાશે.
આ સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ ભવિષ્યમાં અન્ય સ્થળે પણ રી- ઇન્સ્ટોલ કરી શકાય છે.મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં નવા સ્માર્ટ પાર્કિંગ પણ મૂકવામાં આવ્યા છે. જો પ્રાયોગિક ધોરણે આ પાર્કિંગ સફળ જશે તો મિકેનિકલ રોટરી પાર્કિંગ સિસ્ટમ પણ ઊભી કરવામાં આવશે. બજેટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા નવા સમાવિષ્ટ કરાયેલા વિસ્તારો જેવા કે બોપલ, ઘુમા, કઠવાડા, ચિલોડા સહિતના વિસ્તારોમાં દરેક ઝોન દીઠ પાંચ સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવશે. 40 જેટલા સ્માર્ટ પાર્કિંગ પણ બનાવવામાં આવશે જે માટે આગામી દિવસોમાં સ્ટ્રેટેજીક લોકેશન નક્કી કરવામાં આવશે. સ્માર્ટ પાર્કિંગમાં ઓટોમેટેડ પાર્કિંગ સ્લોટ વિથ મોનિટરિંગ તેમજ એપ્લિકેશન સાથે લિંક કરવામાં આવશે.