3 ફેબ્રુઆરીના રોજ વધુ બે પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાશે. આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી અને અરવિંદ લાડાણી ભાજપમાં જોડાશે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લાના પંચાયત સભ્ય રામજી ચુડાસમા પણ ભાજપમાં જોડાશે. કોંગ્રેસના જૂનાગઢ તાલુકા પંચાયતના સભ્ય ભોળાભાઇ સોલંકી પણ ભાજપમાં જોડાશે. આ સિવાય જૂનાગઢ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસના પૂર્વ ચેરમેન સુનિતા ભાયાણી પણ ભાજપમાં જોડાશે. ભેસાણ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલની હાજરીમાં 2 હજાર લોકો ભાજપમાં જોડાશે.
વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ 13 ડિસેમ્બરે રાજીનામું આપ્યું હતું. ભાયાણીએ રાજીનામા બાદ કહ્યું હતું કે, મેં મારા કાર્યકર્તા અને મતદારોને પૂછીને આ નિર્ણય કર્યો છે.
AAPના નેતા રેશ્મા પટેલ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી પર રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “વિસાવદર વિધાનસભાની જનતાનો ગદ્દાર ભૂપત ભાયાણી ભેસાણ મુકામે ભાજપમાં જોડાવા જશે ત્યારે ત્યાં જઇને તેના ઉપર જૂતા ફેંકશે અને વિરોધ દર્શાવશે.” AAPના પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ રેશ્મા પટેલ સહિત હોદ્દેદારોની જૂનાગઢ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આપના નેતા રેશ્મા પટેલે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાવાના હોવાની વાત સામે આવતા જ વિરોધ નોંધાવ્યો હતો અને તેમણે ગદ્દાર કહ્યાં હતા.