સાઉથમાં કેન્દ્ર સરકારને મળનારા ટેક્સની રાજ્યો સાથે વહેંચણીને લઇને રાજકારણ ગરમાયેલું છે. તાજેતરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે દક્ષિણ ભારતના મંદિરોમાં જઇને ભાજપ માટે જે માહોલ બનાવ્યો છે, તેનાથી દક્ષિણમાં ભાજપના વિરોધી દળ પરેશાન છે. આ કારણ છે કે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના ભાઇએ સંસદમાં ટેક્સના પૈસાની વહેંચણીના મુદ્દા પર દક્ષિણના ભાગલાની માંગ કરી દીધી. હવે કેરળના મુખ્યમંત્રી પણ પૈસાની વહેંચણીની માંગને લઇને દિલ્હીમાં પ્રદર્શન કરવાની તૈયારીમાં છે.
દિલ્હીમાં કર્ણાટકનું રાજકારણ ગરમાયેલુ રહ્યું હતું. કર્ણાટકની કોંગ્રેસ સરકારના તમામ દિગ્ગજ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના નેતૃત્વમાં તમામ નેતાઓએ દિલ્હીમાં ધરણા કરીને કેન્દ્રીય મહેસૂલમાં રાજ્યના મળનારા ભાગનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભાજપે નાણા મંત્રી નિર્મલા સીતારમણ, સાંસદ તેજસ્વી સૂર્યા સહિત રાજ્યના કેટલાક મુખ્ય નેતાઓને મેદાનમાં ઉતારીને કોંગ્રેસના આરોપોને ફગાવી દીધા હતા. સૌથી મહત્ત્વપૂર્ણ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ રહ્યો હતો, જ્યાં તેમણે ખુલીને કોંગ્રેસને આડેહાથ લેતા દેશના ભાગલા જેવી વાતો કરીને પ્રહાર કર્યા હતા.
વડાપ્રધાને કહ્યુ કે રાજકીય સ્વાર્થને કારણે દેશને તોડવા માટે નવા નેરેટિવ ગઢવામાં આવી રહ્યાં છે. આ રાજનીતિમાં જેટલું કેન્દ્ર અને રાજ્યમાં ટેક્સથી મળનારા પૈસાની વહેંચણીનો મુદ્દો છે, તેના કરતા વધુ લોકસભા ચૂંટણીની રણનીતિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા, કાશી તમિલ સંગમ જેવા કેટલાક મુદ્દા પર દક્ષિણ અને ઉત્તરને જોડવાનો મોટો પ્રયાસ કર્યો હતો. રામ મંદિરના દર્શન માટે સાઉથમાંથી મોટી સંખ્યામાં લોકો સતત આવી રહ્યાં છે. એવામાં સાઉથના ક્ષેત્રીય પક્ષોને ભાજપનો ખતરો અનુભવાઇ રહ્યો છે કે ક્યાક ભાજપ તેમના ઘરમાં ઘુષણખોરી ના કરે. આ કારણ છે કે કર્ણાટક તરફથી જે મુદ્દો ઉઠાવવામાં આવ્યો તે મુદ્દો આ પહેલા તમિલનાડુમાંથી પણ ઉઠાવવામાં આવ્યો છે. કેરળ પણ હવે આ મુદ્દાને લઇને દિલ્હીના મેદાનમાં આવી રહ્યું છે.