વિશ્વપ્રસિદ્ધ ગિરનાર પર્વત પાર ગંદકી મુદ્દે હાઇકોર્ટમાં કરવામાં આવેલી પિટિશન મામલે 12 ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ પિટિશનની સુનાવણી કરતા હાઇકોર્ટે ગિરનાર પર્વત પર ગંદકીના મુદ્દે જૂનાગઢ કલેક્ટર અને સરકારી વકીલને ઝાટકી નાંખ્યાં હતા.
ગિરનાર પર્વત પર ગંદકી મુદ્દે જૂનાગઢ કલેક્ટરે હાઇકોર્ટ સમક્ષ જે એફિડેવિટ રજૂ કર્યું હતું તેને હાઇકોર્ટ ફગાવી દીધું હતું અને સાથે જ સરકરી વકીલની પણ ઝાટકણી કાઢી હતી. કોર્ટે સરકારી વકીલને સવાલ કર્યો કે કોર્ટ સમક્ષ નાના બાળક જેવી વૃત્તિ કરનાર અધિકારીને તમે બચાવી રહ્યાં છો? લોકોની લાગણી અને ભાવનાના આધાર પર કાયદાનું પાલન નહિ કરાવનાર જૂનાગઢ કલેકટર સામે કોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી.
જૂનાગઢ કલેક્ટર વતી સરકારી વકીલે રજૂ કરેલા આ એફિડેવિટમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુદ્દે કોઈ ઠોસ સ્પષ્ટતા નહિ મળતાં હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું કે કોર્ટને ગેરમાર્ગે દોરે એ પ્રકારનું સોગંદનામુ ચલાવી લેવાશે નહીં. આ સાથે કેન્દ્ર સરકારે વર્ષ 2012માં બહાર પાડેલા જાહેરનામાની અમલવારી યોગ્ય રીતે નહીં થઈ રહી હોવાની બાબત કોર્ટે નોંધી હતી. આ પિટિશનમાં હાઇકોર્ટે એડિશનલ ચીફ સેક્રેટરીને પક્ષકાર તરીકે જોડવા નિર્દેશ કર્યો છે. એડિશનલ એડવોકેટ જનરલ મનીષા શાહે હાઇકોર્ટને ખાતરી આપી છે કે જાહેર હિતના મુદ્દામાં વ્યક્તિગત રીતે હસ્તક્ષેપ કરીને પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે કામ કરવામાં આવશે. આ પિટિશનની સુનાવણી આગામી 27 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.