કૉંગ્રેસમાંથી પોતાનું ધારાસભ્યપદ છોડનાર વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી.જે. ચાવડા ભાજપમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ભાજપમાંથી ચૂંટાનાર ડૉ. એ.કે. પટેલ પણ હાજર રહ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીમાં સી. જે. ચાવડાને લોકસભાની ચૂંટણીમાં ઉતારવામાં આવી શકે તેવું હાલ ચર્ચાઈ રહ્યું છે.
વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી.જે. ચાવડા ભાજપમાં જોડાવવા અંગે છેલ્લા લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. સોમવારે વિજાપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સમર્થકો મોટી સંખ્યામાં હાજરીમાં સી. જે. ચાવડાની સાથે કૉંગ્રેસના 10 મોટા આગેવાનો પણ ભાજપમાં જોડાયા હતા, જેમાં વિજાપુર વિધાનસભાના કૉંગ્રેસના પૂર્વ ઉમેદવાર નાથાલાલ પટેલ ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત કૉંગ્રેસ પ્રદેશ મહામંત્રી વિજય પટેલ, મહેસાણા જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા હર્ષદ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય વિનોદ પટેલ, વિજાપુરના પૂર્વ તાલુકા પ્રમુખ ચંદનજી ઠાકોર, કૉંગ્રેસ તાલુકા સમિતિના પ્રમુખ દિનેશજી ચૌહાણ, કૉંગ્રેસ આગેવાન વિનોદ પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ પણ કેસરિયો ધારણ કર્યો છે.
સી.જે. ચાવડા વર્ષ 1981થી 1992 સુધી રાજ્ય સરકારમાં પશુપાલન વિભાગમાં જનરલ સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ડીડીઓ તરીકે પણ તેમને ફરજ બજાવી છે. મહેસૂલ વિભાગમાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી છે. ડેપ્યુટી કલેક્ટર તરીકે પણ તેમને ફરજ બજાવી છે. તેમ જ શંકરસિંહ વાધેલાની સરકારમાં તેઓ મુખ્ય પ્રધાન કાર્યાલયમાં સ્પેશ્યલ ડ્યૂટી ઓફિસર તરીકે ફરજ બજાવી છે. વર્ષ 2002 અને 2007માં તેઓ ગાંધીનગરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2017 થી 2022 સુધી તેઓ ગાંધીનગર નોર્થના ધારાસભ્ય તરીકે કામગીરી કરી હતી. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ વિજાપુર બેઠક પરથી ચૂંટાયા હતા.