જૂનાગઢ શહેરમાં એક જાહેરસભાના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ કરનારા મુંબઈના મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે જૂનાગઢ બાદ અરવલ્લીના મોડાસામાં પણ કેસ નોંધાયો હતો. આ કેસમાં મૌલાનાને કોર્ટમાં રજૂ કરતા અરવલ્લી જિલ્લા કોર્ટે તેના પાંચ દિવસના તારીખ 17 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મોડાસા ટાઉન પોલીસમાં નોધાયેલા ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી ગુન્હા મામલે મોડાસા પોલીસે મૌલાના મુફ્તી સલમાન અઝહરીના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પોલીસે બેન્કમાં ફંડિંગ સહીત અન્ય 10 મુદ્દાઓની તપાસની માંગ સાથે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જો કે કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. મૌલાના સલમાન અઝહરીને કોર્ટમાં રજૂ કરાયા પહેલામોડાસા ખાતે ડીવાયએસપી કચેરી ખાતે લવાયો હતો. ગુપ્ત સ્થાને પૂછપરછ બાદ આખરે તેની ધરપકડ કરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મૌલાનાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને સુરક્ષા મામલે કોર્ટ પરિસર ખાલી કરાવાયું હતું.