અમદાવાદમાં લગ્નપ્રસંગમાં 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી.તમામને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે રાજપીપળાથી હિમાંશુ ભાવસાર પરિવાર સાથે જાન લઈને અમદાવાદ આવ્યા હતા. અમદાવાદના નિકોલ વિસ્તારમાં વિશાલા લેન્ડપાર્ક હોટલ અને બેન્કવેટમાં ઉતારો હતો અને ત્યાંજ લગ્નની વિધી થઈ હતી. ત્યારે જાનૈયાઓ અને યુવતી પક્ષના તમામ લોકો લગ્ન માણી રહ્યા હતા, તે દરમ્યાન તેમને વેલકમ ડ્રીંકની સાથે દુધની બનાવટનો જ્યુસ પીરસવામાં આવ્યો હતો, ત્યાર બાદ તમામને ભોજન પીરસવામાં આવ્યું હતું.
મોડી રાત્રે કન્યા વિદાય બાદ જ્યારે જાન પરત ફરી રહી હતી ત્યારે CTM ચારરસ્તા પાસે પહોંચ્યા પછી અચનાક તમામ જાનૈયાઓને ઉલ્ટી થવા લાગી અને શરીર અશક્ત લાગવા લાગ્યું હતું, અન્ય જાનૈયાઓ જે નડીયાદ જઈ રહ્યા હતા તે દરમ્યાન અચાનક તેમની પણ તબિયત લથડી હતી. આ તમામને નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે અમદાવાદમાં જેમની તબિયત લથડી તો તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બીજી તરફ કન્યા પક્ષના પણ સંખ્યાબંધ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી તેમને પણ તાત્કાલિકના ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છ જણાને વધુ અસર થતા તેઓને મણિનગરની એલ જી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.