પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) નેશનલ અને પંજાબ પ્રોવિન્શિયલ એસેમ્બલીમાં વિપક્ષમાં બેસશે. પાર્ટીના આ નિર્ણયની જાહેરાત પીટીઆઈના બેરિસ્ટર અલી સૈફે કરી છે.
અગાઉ એક દિવસ પહેલા પીટીઆઈએ ઓમર અયુબ ખાનને વડાપ્રધાન પદના ઉમેદવાર અને અસલમ ઈકબાલને પંજાબના મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા હતા. ઈસ્લામાબાદમાં કૌમી વતન પાર્ટીની મુલાકાત કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા સૈફે કહ્યું હતું કે પાર્ટીના સંસ્થાપક ઈમરાન ખાનની સૂચના અનુસાર પાર્ટીએ કેન્દ્ર અને પંજાબમાં વિપક્ષમાં બેસવાનો નિર્ણય કર્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ‘જો પરિણામો બદલાયા ન હોત તો અમે સત્તામાં હોત.’
નોંધનીય છે કે પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીયોજાઈ હતી, જેમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી અને ન તો છેડછાડ દ્વારા સરકાર બનાવવાનો કોઈ પ્રયાસ થઈ રહ્યો છે. પીટીઆઈ સમર્થિત અપક્ષ ઉમેદવારોએ 92 બેઠકો જીતી હતી, જ્યારે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી એ અનુક્રમે 75 અને 54 બેઠકો પર જીતી હતી.






