સુરતના ખટોદરા વિસ્તારમાં લગ્નની લાલચ આપી પ્રેમી દ્વારા પ્રેમિકાનું વારંવાર શારીરિક શોષણ કરી મિત્રની મદદથી રૂપિયા 1.39 કરોડના સોના-ચાંદીના ઘરેણાં ઉપરાંત લાખોની રકમ પડાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. 2019માં પ્રેમીકાને છૂટાછેડા લેવડાવી પોતે પણ ડિવોર્સ લઈ લીધા હોવાનું વોટ્સએપ દ્વારા બોગસ સર્ટિફિકેટ મોકલી પ્રેમિકાને વિશ્વાસમાં લઈ અલગ અલગ જગ્યાએ શારીરિક સંબંધો બાંધ્યા હતા. એટલું જ નહિ પરંતુ પોતાના મિત્રની મદદથી હોસ્પિટલની બોગસ ફાઈલ ઉભી કરી પોતે હોસ્પિટલના આઇસીયું વોર્ડમાં દાખલ હોવાનું નાટક કરી તબક્કાવાર સોનું પડાવી છેતરપિંડી આચરી હતી. જોકે પરિણીત પ્રેમીનો અંતે ભાંડો ફૂટી જતા મામલો ખટોદરા પોલીસ મથકે પહોચ્યો હતો. પોલીસે પ્રેમિકાની ફરિયાદના આધારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના ખટોદરા વિસ્તારમાં અજીબો- ગરીબ કિસ્સો સામે આવ્યો છે. કોલેજના સમયથી ક્લાસમેટ રહેલા યુવકે છૂટાછેડા લેવડાવી પ્રેમીકાનું શારીરિક શોષણ કરવાની સાથે કરોડોની રોકડ રકમ સહિત સોના-ચાંદીના ઘરેણાં પડાવી લીધા હતા. સુરતના ખટોદરા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પોલીસ મથક હદ વિસ્તારમાં રહેતી પરિણીત યુવતીએ ખટોદરા પોલીસ મથકમાં પોતાના પ્રેમી સહિત સાત લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મુજબ વર્ષ ખટોદરામાં કાપડિયા હેલ્થ ક્લબ નજીક રહેતો ઉદય નવસારીવાળા કોલેજના સમયે તેણીનો ક્લાસમેટ હતો. જેની સાથે 2019માં ફરી તેણી સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે ગાઢ મિત્રતા કેળવાય હતી. જે બાદ ઉદય નવસારીવાળા અને પરિણીતા વચ્ચે ગાઢ પ્રેમસંબંધ બંધાઈ ગયો હતો. જે બાદ 2019માં ઉદયએ પરિણીતા પાસે પહેલાં પતિથી ડિવોર્સ લેવડાવી પોતે લગ્ન કરશે તેવો વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો. આ સાથે પોતે પણ પરિણીત હોવાથી પોતાની પત્નીને ડિવોર્સ આપી દેશે તેવો ભરોસો અપાવ્યો હતો. જેથી વિશ્વાસ અને ભરોસામાં આવી ગયેલી પરિણીત યુવતીએ પોતાના પહેલા પતિથી કાયદેસરના ડિવોર્સ લઈ લીધા હતા. જે બાદ ઉદય નવસારીવાળાએ પ્રેમિકાનો ફાયદો ઉઠાવી અવારનવાર અલગ અલગ જગ્યાએ લઈ જઈ શારીરિક સંબંધો બાંધ્યા હતા.
ત્યારબાદ ઉદય નવસારીવાળાએ પોતાના મિત્રની મદદથી ટુકડે ટુકડે કરી પોતાની જ પ્રેમિકા પાસેથી દોઢ કિલોથી વધુનું સોનું અને ચાંદી સહિત લાખોની રોકડ રકમ પડાવી લીધી હતી. પ્રેમિકાએ આપેલી ફરિયાદમાં જણાવ્યાનુસાર, ઉદય નવસારી વાળાએ પોતાના મિત્ર વિતરાગ શાહની મદદથી વર્ષ 2023થી પ્રેમિકા પાસેથી સોના-ચાંદી સહિત રોકડ રકમ પડાવવાની શરૂઆત કરી હતી. અગાઉથી બનાવેલા પ્લાન મુજબ ઉદયના કહેવા પર તેનો મિત્ર પ્રેમિકાના ઘરે ગયો હતો. ઉદયને ગંભીર બીમારી છે અને તેની સારવાર કરાવવા માટે રૂપિયાની જરૂર છે તેમ કહી પ્રેમિકા પાસેથી 200 ગ્રામ સોનુ પડાવી લેવામાં આવ્યું હતું.
ત્યારબાદ ફરી એક વખત મિત્ર તેણીના ઘરે ગયો હતો અને જણાવ્યું હતું કે ઉદયની તબિયત હાલ પણ ખરાબ છે અને તે ઘરે આરામ કરી રહ્યો છે. તેના પર દેવું થઈ ગયું છે અને લેણદારો આવી સ્થિતિમાં પણ ઘરે આવી રૂપિયાની માંગણી કરી રહ્યા છે. આ વાતોમાં આવી ગયેલી પ્રેમિકાએ આ વખતે પણ 200 ગ્રામ જેટલું સોનું આપી દીધું હતું. જોકે, બંને આટલે સુધી અટક્યા નહોતા. બંને શખ્સોએ પ્રેમિકાનો ફાયદો ઉઠાવી કોઈકના કોઈક બહાને પોતાની માંગણી ચાલુ રાખી હતી. જેથી ફરી તેનો મિત્ર પ્રેમિકાના ઘરે ગયો હતો અને આ વખતે કંઈક અલગ જ બહાનું બતાવ્યું હતું.
ત્રીજી વખતમાં પણ ઉદય નવસારી વાળા અને વિતરાગ શાહ દ્વારા પ્રેમિકાને વિશ્વાસ અને ભરોસામાં લેવામાં આવી હતી. જ્યાં ઉદય નવસારી વાળાએ પ્રેમિકાને જણાવ્યું હતું કે આપણે બંનેએ જોડે રહેવાનું છે અને તે માટે એક ફ્લેટ જોઈ રાખ્યો છે. જે ફ્લેટની કિંમત એક કરોડની આસપાસ છે. જેમાં થોડું પેમેન્ટ કરી આપવામાં આવ્યું છે અને 50 -60 લાખ રૂપિયા જેટલી રકમ બાકી છે. પ્રેમિકાને વિશ્વાસ અને ભરોસો થાય તે માટે વીતરાગ શાહે પણ તેણીને જણાવ્યું હતું કે ભાભી મેં પણ આ ફ્લેટ જોયો છે અને ફ્લેટ ખૂબ જ સુંદર છે. જેથી બંનેના જાળમાં આવી ગયેલી પ્રેમિકાએ વધુ એક કિલો જેટલું સોનું કાઢી ઉદયના મિત્ર વિતરાગને હેન્ડ ઓવર કરી દીધું હતું.
અહીંથી નહીં અટકતા આ બંને ઠગબાજોએ વધુ રૂપિયા કઢાવવા વધુ એક પ્લાન બનાવ્યો હતો. આ વખતે ઉદયની તબિયત ફરી ખરાબ થઈ ગઈ છે અને તેને સુરતની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે, તેમ કહી હોસ્પિટલના આઇસીયુના બોગસ કાગળો પણ બનાવ્યા હતા. હોસ્પિટલનો સીન ક્રિએટ કરવા આરોપીઓએ આઇસીયુ જેવો સાઉન્ડ આવે તેવો માહોલ સ્પીકરના માધ્યમથી ઉભો કર્યો હતો. ત્યારબાદ પ્રેમિકાના વોટસએપ નંબર પણ આઇસીયુના બનાવટી પેપર્સ સેન્ડ કરતા તેણીને પણ વિશ્વાસ અને ભરોસો આવી ગયો હતો. જેથી આ વખતે પણ પ્રેમિકાએ વીતરાગને પોતાના ઘરે બોલાવી 700 ગ્રામ સોનું આપ્યું હતું.
ત્યારબાદ ફરી ઉદયની તબિયત વધુ ગંભીર હોવાનું જણાવી વધુ રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી હતી. જ્યારે પ્રેમિકાને શંકા ગઈ ત્યારે વીતરાગ શાહ દ્વારા જણાવવામાં આવ્યું કે ઉદયનું બ્રેનનું ઓપરેશન કરવું પડશે અને ફેફસામાં પણ ઇન્ફેક્શન ફેલાઈ ગયું હોવાથી મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવ્યો છે. જ્યાં વધુ સારવારનો ખર્ચ થવાનો છે. પ્રેમિકાને વિશ્વાસ અને ભરોસો અપાવવા મિત્રએ મુંબઈનું લોકેશન પણ મોકલ્યું હતું. જેથી આ વખતે પણ પ્રેમિકા ઉદયના મિત્રની વાતોમાં આવી ગઈ હતી. લગ્નમાં આવેલી 17 કિલો ચાંદી સહિત 200 ગ્રામ સોનું સારવારના ખર્ચપેટે આપ્યું હતું. આમ વર્ષ 2023માં પ્રેમિકા પાસેથી બંને આરોપીઓ દ્વારા 1.39 કરોડની મત્તા પડાવી લેવામાં આવી હતી.