પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા દ્વારા સુરતથી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. પોરબંદરના અને સુરતમાં રહેતા લોકોના સ્નેહ મિલનનું ગઈકાલે રાત્રે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોરબંદર મત વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મનસુખ માડવિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, તમે બધા સ્વખર્ચે મતદાન કરવા પોરબંદર તમારા વતન પહોંચજો. તેમજ મતદાન કરી તમારા કાકા-કાકી, દાદા-દાદી, મામા-મામી સહિત તમારા પરિવારજનોને કહેજો કે મતદાન કર્યું? સવારે જ મતદાન કરી તમારા પરિવારજનો અને સગા-સંબંધીઓને મતદાન કરાવી તમારા ગામમાં બપોર સુધીમાં 80થી 85 ટકા વોટિંગ કરાવી દેશો તો ભાજપ જીતી જશે.
મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ 400 પારના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં પોતાની ભૂમિકા અને કર્તવ્ય ભજવવા માટે મંચ પરથી આવાહન કર્યું હતું. ભાજપ 370 લોકસભાની બેઠકો ઉપર વિજય મેળવશે અને NDA 401 બેઠક મેળવી જંગી બહુમતી સાથે ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિજય થશે.
મનસુખ માંડવિયાએ મતદારોને અપીલ કરી હતી કે, પોતાનું કર્તવ્ય સમજીને સ્વખર્ચે પોતાના માદરે વતન જઈને ચૂંટણી દરમિયાન પોતાનો મત આપજો અને બીજાને પણ મત અપાવવામાં તમારૂ યોગદાન આપજો. બપોર સુધીમાં 80થી 85% મતદાન કરાવવાનો પ્રયાસ કરજો. મતદાનના દિવસે લોકોને રૂબરૂ મળી વહેલામાં વહેલું મતદાન થાય તે માટે સમજણ આપજો. ચૂંટણીના દિવસે સતત સંપર્કમાં રહીને મતદાન કરાવજો. કારણ કે, ખૂબ જ ગરમીના દિવસો હશે અને આવા દિવસોમાં વધુ મુશ્કેલી પડશે.