રાજકોટ બેઠકના ભાજપના લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના અપમાનનો વિવાદ વકરતો જઇ રહ્યો છે. બીજી તરફ હવે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ ક્ષત્રિય કાર્ડ ખેલ્યું છે. આણંદથી લોકસભા ચૂંટણી લડતા અમિત ચાવડાએ ખુદને ક્ષત્રિય ગણાવતા કહ્યું કે ભગવાન શ્રીરામનો પ્રથમ આશીર્વાદ તેમણે જ મળશે.
અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના સીનિયર નેતા છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પણ છે. આણંદની બેઠક પર અમિત ચાવડાનો મુકાબલો ભાજપના વર્તમાન સાંસદ મિતેષ પટેલ સામે છે. પાર્ટીએ પાટીદાર સમાજમાંથી આવતા મિતેષ પટેલને રિપીટ કર્યા છે તો બીજી તરફ કોંગ્રેસે આણંદ બેઠક પર કબ્જો કરવા માટે અમિત ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. અમિત ચાવડાએ આણંદમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું, “ભગવાન શ્રીરામ ક્ષત્રિય કૂળના હતા, અમિત ચાવડા પણ ક્ષત્રિય કુળના છે. એવામાં ભગવાન રામનો સૌથી પહેલા આશીર્વાદ જો કોઇને મળશે તો તે અમિત ચાવડાને મળશે.” ગુજરાતમાં કોંગ્રેસ બે લોકસભા ચૂંટણીમાં એક પણ બેઠક જીતી શકી નથી. કોંગ્રેસનો પ્રયાસ છે કે રાજ્યમાં ભાજપને ક્લીન સ્વીપ કરતા રોકવામાં આવશે. એક તરફ ક્ષત્રિય સમાજ ભાજપના કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની રાજકોટ બેઠક પર ઉમેદવારી પરત લેવાની માંગ કરી રહ્યું છે તો હવે કોંગ્રેસના સીનિયર નેતાએ ચૂંટણીમાં ભગવાન રામની એન્ટ્રી કરાવતા ક્ષત્રિય કાર્ડ ખેલ્યું છે.