નવા નાણાકીય વર્ષના પ્રારંભે જ શેરબજાર તથા સોના-ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજી સર્જાઈ હતી. શેરબજારમાં સેન્સેકસ 74254, નિફટી 22529ની નવી ઉંચાઈએ પહોંચ્યા હતા. સોનુ 71000ની સપાટીને વટાવીને 71000ને પાર થયુ હતું.
આજથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ છે. પ્રથમ દિવસે જ કોમોડીટી- શેરમાર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ચુંટણી પુર્વે માર્કેટ નવી ઉંચાઈને આંબવાની અટકળો હતી જ અને તે મુજબ તેજીમાં ધમધમી રહ્યું છે.
આજે મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 505 પોઈન્ટના ઉછાળાથી 74157 સાંપડયો હતો તે ઉંચામાં 74254 તથા નીચામાં 73943 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 172 પોઈન્ટના ઉછાળાથી 22499 હતો. તે ઉંચામાં 22529 તથા નીચામાં 22443 હતો.
સોના-ચાંદીમાં પણ જોરદાર તેજી હતી. અમેરિકી વ્યાજદર જૂનમાં ઘટવાના સંકેતો વચ્ચે વૈશ્વિક સોનુ 31 ડોલર ઉંચકાઈ ને 2264 ડોલર હતું. રાજકોટમાં હાજર સોનુ 1200ના ઉછાળાથી 71500 હતુ. કોમોડીટી એકસચેંજમાં 68930 હતું તેમાં 1250 રૂપિયાનો ઉછાળો હતો.