અકસ્માતોની હારમાળા અને લોકોના મોતથી સુરેન્દ્રનગર રક્તરંજિત બન્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં જુદા જુદા 5 અકસ્માતો થયા છે, જેમાં એક પૂર્વ કોર્પોરેટર સહિત 7 લોકોના મોત થયા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના હાઇવે પર ઓવરલોડ ડમ્પર ચાલકોનો ત્રાસ વધ્યો છે. આજે 1 એપ્રિલે વઢવાણ – કોઠારિયા રોડ પર ઓવરલોડ ડમ્પરે પૂર્વ કોર્પોરેટર ઇસ્માઇલ વડદરિયાને અડફેટે લીધા હતા. તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા હિટ એન્ડ રનની આ ઘટનામાં તેમનું મોત થયું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા-ચોટીલા હાઇવે પર 15 કિમીના વિસ્તારમાં 24 કલાકમાં જુદા જુદા ચાર અકસ્માતો થવા પામ્યા જેમાં 6 લોકોના મોત થયા અને 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 1 એપ્રિલે વહેલી સવારે સાયલા તાલુકાના મોટાસખ પરના રહેવાસી 50 વર્ષીય જીતુબેન ખેંગારભાઈ રાણીંગા હડાળા બોર્ડ પાસે રોડ ક્રોસ કરી રહ્યાં હતા ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારતાં તેમનું કરૂણ મોત થયું છે. 31 માર્ચની સાંજે ધોળકાથી ચોટીલા ચાલીને જઈ રહેલ બે પદયાત્રીને અજાણ્યા વાહને અડફેટે લેતા એકનું મોત થયું હતું અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. મૃતક મયુરભાઈ નરસશીભાઈ પ્રજાપતિ ધોળકા તાલુકાના લીલાપુર ગામના રહેવાસી ઉંમર 38 વર્ષ ચોટીલા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે સાયલા તાલુકાના નવા સુદામડા ગામ પાસે અજાણ્યા વાહને ટક્કર મારી હતી. તેમની સાથે રહેલા મોરબીના જયરાજસિંહ રણજીતસિંહ વાઘેલાને ઈજા થતા સાયલાથી સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા હતા
31 માર્ચના દિવસે સાયલા-ચોટીલા હાઇવે પર કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. રાજકોટ તરફથી આવતી કાર સાથે બાઈક અથડાતા બાઈક પર સવાર 17 વર્ષના મુકેશભાઇ અને 20 વર્ષના અરજણભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેમના મોત થયા હતા. મૃતક બંને કૌટુંબિક ભાઈઓ હતા. 30 માર્ચની રાત્રે 8:30 કલાકે સાયલા-ચોટીલા હાઇવે પર ગસળના બોર્ડ પાસે ઇકો કાર પલટી મારી જતા તેમાં બે લોકોના મૃત્યુ થયા હતા અને સાત લોકો ઘાયલ થયા હતા.