સોનાનો ભાવ 70 હજારની સપાટી વટાવી ચુક્યો છે. ત્યારે વલસાડમાં સસ્તુ સોનુ પધરાવવા જઈ રહેલા 2 ઠગને SOGએ ઝડપી પાડ્યા છે. મૂળ રાજસ્થાનના ઝાલોરના 2 શખ્સો પાસેથી રૂપિયા 1 લાખની રોકડ સાથે સોનાના મણકા અને નકલી સોનુ કબજે લઈ પૂછપરછ હાથ ધરી છે.
અમદાવાદ- મુંબઈ નેશનલ હાઈવે પર પારડી નજીક 2 શંકાસ્પદ શખ્સોને SOGએ પકડી તલાસી લેતા સોનાના 29 મણકા, સોના જેવી પીળી ધાતુની માળા, ચાંદીના જૂના રાણી છાપ સિક્કા અને 1 લાખ રોકડ મળી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બંને શખ્સોએ બે વ્યક્તિઓને નકલી સોનુ પધરાવ્યાની કબૂલાત કરી હતી. વાપીના એક વ્યક્તિને રૂપિયા 5 લાખમાં 1 કિલો નકલી સોનાની માળા તેમજ ભીલાડમાં એક વ્યક્તિને 50 હજારમાં નકલી સોનુ પધરાવ્યુ હતુ.
રાજસ્થાનના ઝાલોરના વતની જીતેન્દ્ર લાલારામ વાઘેલા અને અર્જુન ભીમાજી સોલંકી નામના બંને શખ્સો ફૂલ વેચવાના બહાને બજારમાં ફરીને ભોળવાઈ જાય તેવા વ્યક્તિઓને ફસાવતા હતા. મકાનના ખોદકામ દરમિયાન જૂના સિક્કા અને સોનાની માળાઓ મળી હોવાથી તાત્કાલિક પૈસાની જરૂર હોવાનુ કહી સસ્તામાં માળા પધરાવી દેવાની લાલચ આપીને નકલી સોનુ પધરાવી ઠગાઈ કરતા હતા. બંને શખ્સોના રિમાન્ડ મેળવી વલસાડ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. જ્યારે રાજસ્થાનમાં પણ અનેક ગુના આચર્યા હોવાથી ઝાલોર પોલીસને જાણ કરી છે.