લોકસભાની ચૂંટણીમાં રાજકોટની બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે જ વિવાદાસ્પદ વિધાનોનો વિવાદ વધુને વધુ સ્ફોટક બની રહ્યો છે ત્યારે હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મેદાને આવ્યા છે. દિલ્હીથી પરત ફરતા તેઓએ ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભાજપના ક્ષત્રિય નેતાઓ ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કિરીટસિંહ રાણા, બળવંતસિંહ રાજપૂત, જયરાજસિંહ રાણા વગેરે સાથે બેઠક કરી હતી. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. રૂપાલા વિવાદને શાંત કેવી રીતે પાડી શકાય અને કેવા સંજોગોમાં સમાધાન શકય બને તે વિશે બેઠકમાં ચર્ચા થવાનું મનાય છે.