રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે. આ અંગે ગઈકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની મિટિંગ યોજાઈ હતી. આજે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક શહેરના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે યોજાઈ હતી. જોકે એ પહેલાં રાજપૂત સમાજની કોર કમિટીની એસજી હાઇવે ઉપર એક હોટલમાં બેઠક મળી હતી. આજે મળેલી બેઠકમાં કોઈ નિર્ણય આવ્યો નથી અને આ બેઠક નિષ્ફળ રહી હતી. ક્ષત્રિય આગેવાનોએ ભાજપના નેતાઓ સમક્ષ રૂપાલાની ટિકિટ કાપવાની જ માગ કરી હતી.
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ બેઠક બાદ જણાવ્યું હતું કે આજે અમે કોર કમિટી સાથે બેઠક કરી છે. ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર હતા. કોર કમિટી સાથે વાત કરી છે. રૂપાલાએ 30 મિનિટમાં માફી માગી હતી. ગોંડલ ખાતે માફી માગી હતી, પ્રદેશ પ્રમુખે પણ માફી માગી છે. અમે બાબતો કોર કમિટી સમક્ષ રજૂ કરી છે. બધાએ રજૂઆત કરી છે. બધાની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ કાપી ઉમેદવાર બદલે એમ કહ્યું છે.
આજે ભાજપના ક્ષત્રિય આગેવાનો રૂપાલાની માફીની વાત લઈને આવ્યા છે. એ અમને મંજૂર નથી, એમ કોર કમિટીએ કહ્યું છે, અમે પક્ષમાં રજૂઆત કરીશું. હવે પાર્ટી નિર્ણય લેશે. અમે પાર્ટીમાં અહીં બેઠકમાં જે વાત થઈ એ રજૂ કરીશું. આજે બેઠકમાં કોઈ નિર્ણય નહીં. ભાજપના નેતાઓ સમક્ષ માત્ર એક જ માગ રૂપાલાની ટિકિટ કાપીને રાજકોટની સીટ પરથી ઉમેદવાર બદલવામાં આવે.