એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડના વિરોધમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમની ધરપકડને પડકારવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી વખતે કેજરીવાલે દલીલ કરી હતી કે અમને ચૂંટણી લડતા રોકવાના પ્રયાસરૂપે મજબૂત પુરાવા વિના જ મારી ધરપકડ કરી લેવામાં આવી છે.બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ દિલ્હી હાઈકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.
સુપ્રીમ કોર્ટે આ મામલે જ આપ નેતા સંજય સિંહને શરતો હેઠળ જામીન આપ્યા હતા. હવે તેના પરથી કેજરીવાલને પણ આશા જાગી છે. દરમિયાન તેમના વકીલ સિંઘવીએ કોર્ટમાં કહ્યું કે કેજરીવાલ સામે કોઈ પુરાવા નથી. કોઈ મજબૂત આધાર વગર જ તેમના અસીલની ધરપકડ કરી લેવામાં આવી છે. કેજરીવાલની ધરપકડ ફક્ત તેમને અપમાનિત કરવા અને પરેશાન કરવા માટે કરાઇ છે.
જસ્ટિસ સ્વર્ણ કાંત શર્માની બેન્ચ સમક્ષ કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવી હાજર થયા હતા. તેમણે કહ્યું કે અમારા અસીલ કેજરીવાલની ધરપકડ એવા સમયે થઈ છે જે તેમને રાજકીય પ્રક્રિયામાં ભાગ લેતા રોકે છે. મતદાન પહેલા જ આમ આદમી પાર્ટીને ખતમ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. બે વર્ષ જૂના કેસમાં 2024માં કેજરીવાલની ધરપકડ ઘણું બધું કહી જાય છે. આ ધરપકડનો સમય સ્પષ્ટ ગેરબંધારણીય ઉદ્દેશ્યનો સંકેત આપે છે.
EDના વકીલ એએસજી રાજુએ કહ્યું- ધારો કે ચૂંટણીના 2 દિવસ પહેલાં કોઈ વ્યક્તિ હત્યા કરવાની કોશિશ કરે તો શું તેની ધરપકડ નહીં થાય? શું તેની ધરપકડથી મૂળભૂળ માળખાને નુકસાન થશે? તમે મર્ડર કરશો અને કહેશો કે મારી ધરપકડ કરી શકાશે નહીં, કારણ કે એનાથી મૂળભૂત માળખાને નુકસાન થશે. અમે અંધારામાં તીર નથી ચલાવી રહ્યા. અમારી પાસે વ્હોટ્સએપ ચેટ, હવાલા ઓપરેટરોનાં નિવેદનો અને આવકવેરા ડેટા પણ છે.