પાટણના લિંબચ માતાજીના મંદિરે દહેગામથી મંગળવારે 5 જેટલી બસ મારફતે 300 જેટલા શ્રદ્વાળુઓ માતાજીની 52 ગજની ધજા સાથે આવી માતાજીની ડીજેના ભક્તિ સંગીતના તાલે શોભાયાત્રા યોજી હતી. તે સમયે શહેરના ફાટીપોળ દરવાજા નજીક ડીજેના અવાજને કારણે ઝાડ પરનો મધપૂડો છંછેડતાં મધમાખીના ઝુંડે અચાનક હુમલો કરી દીધો અને શોભાયાત્રામાં જોડાયેલા ભક્તોને ડંખ મારતાં અફરાતફરી મચી જવા પામી હતી તો એક ભક્તને ઝેર ચડતાં મૃત્યુ નીપજતા ધાર્મિક ઉત્સવ માતમમાં છવાયો હતો.
દહેગામથી પાટણ લિંબચ માતાજીના દર્શનાર્થે 5 જેટલી લક્ઝરી બસોમાં 52 ગજની ધજા ચડાવવા આવેલ હતા અને શહેરના જૂના કાળકા મંદિર નજીકથી વાજતે ગાજતે ધજા ચઢાવવા માટે લિબંચ માતાનાં દર્શને જતા હતા ત્યારે શહેરના ફાટીપોળ દરવાજા નજીક ડીજેના અવાજના કારણે ઝાડ પરના મધમાખી ઊડતા અફરાતફરી મચી હતી. આ સમય દરમિયાન શોભાયાત્રામાં મધમાખીના ઝુંડે દર્શનાર્થીઓ પર અચાનક હુમલો કરી દીધો હતો. મધમાખીએ 25થી વધુ ભક્તોને ડંખ માર્યા હતા જેમાં 10 લોકોને ઝેરની અસર થતાં 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકીના દહેગામના નિવૃત્ત જીઈબી કર્મચારી ઉદયભાઈ મંગળભાઇ પારેખ નામના વ્યક્તિને મધમાખીઓએ 80થી વધુ ડંખ મારતાં તેમનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આથી ધાર્મિક ઉત્સવનો પ્રસંગ શોકમાં ફેરવાયો હતો.