સુપ્રીમ કોર્ટે શુક્રવારે અલાહાબાદ હાઇકોર્ટના ‘યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ 2004’ને ગેરબંધારણીય જાહેર કરવાના નિર્ણય પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે યુપી સરકાર પાસેથી જવાબ માગવામાં આવ્યો છે. કોર્ટનું કહેવું છે કે હાઈકોર્ટના નિર્ણયથી 17 લાખ વિદ્યાર્થી પ્રભાવિત થશે. વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવાની સૂચના આપવી યોગ્ય નથી.
22 માર્ચે અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે યુપી મદરેસા એક્ટને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આ ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન છે. આ સાથે યુપી સરકારને એક સ્કીમ બનાવવા માટે કહેવામાં આવ્યું છે, જેથી મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓને ઔપચારિક શિક્ષણ પ્રણાલીમાં સામેલ કરી શકાય. ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે અરજી પર સુનાવણી કરી હતી. આ કાયદો બિનસાંપ્રદાયિકતાનું ઉલ્લંઘન કરે છે એમ કહેવું ખોટું હશે. યુપી સરકારે હાઇકોર્ટમાં પણ આ એક્ટનો બચાવ કર્યો હતો.
10 સપ્ટેમ્બર 2022થી 15 નવેમ્બર 2022 દરમિયાન મદરેસાનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સમય મર્યાદા બાદમાં 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. આ સર્વેમાં રાજ્યમાં લગભગ 8441 મદરેસા મળી આવી હતી, જેને માન્યતા મળી નથી. મુરાદાબાદમાં સૌથી વધુ 550 મદરેસા, બસ્તીમાં 350 અને મુઝફ્ફરનગરમાં 240 મદરેસા ગેરકાયદે મળી આવી હતી. રાજધાની લખનઉમાં 100 મદરેસાને માન્યતા મળી નથી. આ સિવાય પ્રયાગરાજ-મઉમાં 90 મદરેસા, આઝમગઢમાં 132 અને કાનપુરમાં 85થી વધુ મદરેસા માન્યતા વગર મળી આવી હતી. સરકારના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્યમાં 15, 613 માન્ય મદરેસા છે. ઓક્ટોબર 2023માં યુપી સરકારે મદરેસાની તપાસ માટે SITની રચના કરી હતી. SIT મદરેસાને આપવામાં આવતા વિદેશી ફંડની તપાસ કરી રહી છે.