દેશભરમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉનાળાની ઋતુમાં ઘણા રાજ્યોમાં કરા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં આગામી 3 દિવસ સુધી વરસાદી માહોલ ચાલુ રહેશે. અહીં 13 એપ્રિલ સુધી કરા પડવાનું પણ એલર્ટ છે. બુધવારે મધ્યપ્રદેશના 10 જિલ્લામાં કરા પડ્યા હતા.
આ સિવાય અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં પણ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે કહ્યું કે સમગ્ર દેશમાં હવામાનમાં ફેરફારનું કારણ ઈરાન અને પાકિસ્તાન થઈને ઉત્તર ભારતમાં પહોંચી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. જેના કારણે ફેબ્રુઆરી, માર્ચ અને હવે એપ્રિલમાં પણ હવામાન સતત બદલાઈ રહ્યું છે. 13 એપ્રિલ પછી જમ્મુ-કાશ્મીર અને હિમાચલના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતાઓ છે.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ એજ્યુકેશનના અર્થ એન્ડ એન્વાયર્નમેન્ટલ સાયન્સ વિભાગના એસો. પ્રોફેસર ડૉ. પંકજ કુમારના જણાવ્યા અનુસાર, 1980 થી 2023 સુધીમાં WDમાં 43%નો વધારો થયો છે. હવે માર્ચમાં દર બીજા, ત્રીજા દિવસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચી રહ્યું છે.