ઇઝરાયલે ઈરાન પર મિસાઈલ હુમલો કર્યો છે. એબીસી ન્યૂઝે અમેરિકન અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. ઈરાનના ઈસ્ફહાન શહેરના એરપોર્ટ નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. જો કે, ઇઝરાયલે હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ આ જાણકારી આપી છે.
અમેરિકન મીડિયા ન્યૂયોર્ક ટાઈમ્સે ઈઝરાયલના 3 અધિકારીઓને ટાંકીને દાવો કર્યો છે કે ઈરાનના ઈસ્ફહાન પ્રાંતમાં સૈન્ય મથકને હવાઈ હુમલામાં નિશાન બનાવવામાં આવ્યું હતું. ઈરાન પરના હુમલાને ધ્યાનમાં રાખીને જેરુસલેમમાં અમેરિકન દૂતાવાસે સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે. યુએસ એમ્બેસીના કર્મચારીઓ અને તેમના પરિવારોનો તેલ અવીવમાં જેરુસલેમ અને બીરશેબાના વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
ઇસ્ફહાન એ જ પ્રાંત છે જ્યાં નાટાન્ઝ સહિત ઇરાનની ઘણી પરમાણુ સાઇટ્સ આવેલી છે. નાટાન્ઝ ઈરાનના યુરેનિયમ કાર્યક્રમનો મુખ્ય ભાગ છે. આ પહેલા 14 એપ્રિલે ઈરાને ઇઝરાયલ પર 300થી વધુ મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. આ દરમિયાન તેઓએ ઇઝરાયલના નેવાતિમ એરબેઝને નિશાન બનાવ્યું હતું, જ્યાં થોડું નુકસાન પણ થયું હતું.
ઇઝરાયલ અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનની મદદથી ઈરાનના 99% હુમલાને રોકવામાં સફળ રહ્યું હતું. ઈરાનના હુમલા બાદ ઇઝરાયલે બદલો લેવાની ચેતવણી આપી હતી. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ ઇરાન સામે બદલો લેવાની યોજના બનાવવા માટે યુદ્ધ કેબિનેટ સાથે 5 બેઠકો યોજી હતી.