મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વિદિશાના ભાજપના ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે હવે મામા દિલ્હી જશે અને દિલ્હીમાં પણ ખાલી નહીં જાય. શિવરાજ સિંહના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. શિવરાજ સિંહ વીડિયોમાં કહે છે, “દેશમાં મોદીજી અને અહીં મોહન યાદવજી કામ કરશે અને હવે મામા દિલ્હી જશે અને દિલ્હી પણ ખાલી-પીલી નહીં જાય. દૂબળો-પાતળો જરૂર છું પરંતુ કામ કરાવીને છોડીશ, ચિંતા ના કરતા. અહીંના વિકાસ અને સારા માટે જઇશ.”
આ વચ્ચે એક કાર્યકર્તાએ માંગ કરતા કહ્યું કે, તમારે દિલ્હીથી બે પદ લઇને આવવાનું છે. કૃષિ મંત્રી અને પંચાયત મંત્રી. જેના પર શિવરાજ સિંહ હસવા લાગ્યા હતા અને કહ્યું કે હું તો કાર્યકર્તા છું અને પાર્ટી જે પણ આપશે, પરંતુ જે કામ કરીશ, પુરી પ્રમાણિકતા સાથે કરીશ. હું તો તમારો છું અને તમારી સેવા કરતો રહીશ.
મધ્ય પ્રદેશના બેતુલમાં એક જનસભાને સંબોધતા પીએમ મોદીએ શિવરાજ સિંહ ચૌહાણ સાથેના જૂના સંબંધને યાદ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું, “ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેના રોજ છે અને વિદિશાથી અમારા ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણ છે. શિવરાજ સિંહ ચૌહાણ અને હું સંગઠનમાં સાથે કામ કરતા હતા. જ્યારે શિવરાજજી મુખ્યમંત્રી હતા ત્યારે હું પણ મુખ્યમંત્રી હતો અને હું તેમની સાથે જનરલ સેક્રેટરી તરીકે કામ કરતો હતો.