2024ની લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જે સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. પશ્ચિમ બંગાળની બેરકપુર સીટ પરથી ભાજપના ઉમેદવાર અર્જુન સિંહે ટીએમસીના ઉમેદવાર પાર્થ ભૌમિક પર પૈસાની વહેંચણીનો આરોપ લગાવ્યો છે. તેમણે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે.
આ તબક્કામાં રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની અને પીયૂષ ગોયલ સહિત 9 કેન્દ્રીય મંત્રીઓ મેદાનમાં છે. વાયનાડના સાંસદ રાહુલ ગાંધી પણ રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે. 2019માં ભાજપે સૌથી વધુ 32 સીટો, શિવસેનાને 7 અને TMC 4 સીટો જીતી હતી. કોંગ્રેસ યુપીની માત્ર રાયબરેલી સીટ જીતવામાં સફળ રહી હતી. અન્યને 5 બેઠકો મળી હતી.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પાંચમા તબક્કાની ચૂંટણીમાં 695 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 613 પુરુષ અને 82 મહિલા ઉમેદવારો છે. આમાં મહિલાઓ માત્ર 12% છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર) અનુસાર, આ તબક્કામાં 615 ઉમેદવારોમાંથી 23% એટલે કે 159 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે.
રિપોર્ટ અનુસાર, 227 એટલે કે 33% ઉમેદવારો કરોડપતિ છે. તેમની પાસે એક કરોડ કે તેથી વધુની સંપત્તિ છે. માત્ર એક ઉમેદવારે પોતાની સંપત્તિ શૂન્ય જાહેર કરી છે. આ તબક્કામાં સૌથી અમીર ઉમેદવાર ઉત્તર પ્રદેશની ઝાંસી બેઠક પરથી ભાજપના અનુરાગ શર્મા છે. તેમની પાસે 212 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
543 લોકસભા સીટોના ચોથા તબક્કા સુધી 380 સીટો પર મતદાન થયું છે. 20 મે સુધીમાં કુલ 429 બેઠકો પર મતદાન પૂર્ણ થશે. બાકીના બે તબક્કામાં 114 બેઠકો પર મતદાન થશે.